કામરેજ : વાવ ગામની હદમાં પાસોદરા પર બાંધકામની સાઈટ પર કામ કરતાં શ્રમજીવી પરિવારની એક વર્ષની બાળકીને રાત્રિના કૂતરું ઉંચકી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે મોડી રાત સુધી બાળકીનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો.
મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના પલાસ્ટોર ગામના વતની અને હાલ કામરેજ તાલુકાના વાવ ગામની હદમાં પાસોદરા જતાં રોડ પર આવેલી શરણમ રેસીડન્સીની બાંધકામ સાઈટ પર કડીયાકામ કરીને પેટીયુ રળવા માટે છેલ્લા સાત દિવસથી અંજુ બહાદુર અડ તેમજ પત્નિ ટીટાબેન અને એક વર્ષની પુત્રી માયા સાથે આવ્યા હતા. મંગળવારે દિવસે મજુરી કામ કરી પરિવાર રાત્રિના 9 વાગ્યે ટીટાબેન ભોજન બનાવી રહી હતી.
થોડે જ દૂર એક વર્ષની બાળકી માયાને જમીન પર સુવડાવી હતી. ત્યાં અચાનક જ એક કૂતરાએ આવીને એક વર્ષની બાળકી માયાને ઉંચકીને ભાગવા લાગતા બાળકીની માતાએ જોતા બુમાબુમ કરતા પડાવમાં રહેતા લોકો તુરંત જ કૂતરા પાછળ દોડ્યા હતા. કૂતરું વાવ-પાસોદરા રોડ ક્રોસ કરની સામે નીલગીરીના ખેતરમાં જતુ રહ્યુ હતું. નીલગીરીના ખેતરની બાજુમાં આવેલી ખાડી કૂદીને કુતરું નાસી છુટ્યુ હતું. ખેતરમાંથી બાળકની લોહી વાળી ચડ્ડી મળી આવી હતી.
બાદમાં પોલીસને જાણ કરતાં કામરેજ પીઆઈ અમિતસિંહ ચાવડા બનાવની ગંભીરતા દાખવી આખા પોલીસ સ્ટાફ સાથે રાત્રિના સમયે બાળકીને શોધવા માટે વન વિભાગની ટીમ તેમજ સ્થાનિકો સાથે પ્રયત્ન કર્યા હતા. પરંતુ કોઈ જ ભાળ મળી ન હતી. બાદમાં બુધવારે સવારે પોલીસે ડોગ સ્કવોડની પણ મદદ લીધી પણ તેમાં સફળતા ન મળી હતી.
ખેતરની બાજુમાં આવેલી ખાડીમાં સરથાણાની ફાયરની ટીમ દ્વારા પણ શોધખોળ કરવામાં આવી પરંતુ મોડી રાત્ર સુધી કોઈ સફળતા મળી ન હતી. ઘટના સ્થળેથી લોકોએ જણાવ્યુ હતુ કે ત્રણ માસ અગાઉ પણ એક શ્રમજીવી પરિવારના બાળકને કૂતરું કરડવાનો બનાવ બન્યો હતો. આ ઘટના અંગે કામરેજ પોલીસે બાળકીની માતાની જાણવા જોગ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બનતા ડીવાયએસપી આર.આર.સરવૈયા પણ દોડી આવ્યા હતાં.
પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી પરંતુ બાળકી મળી નહીં
વાવ ગામે એક વર્ષની બાળકીને કૂતરું પડાવ પરથી લઈ જવાની ઘટનામાં રાત્રિથી બાળકીની શોધખોળ કરવા માટે પોલીસ તેમજ સ્થાનિક આશરે 200 થી લોકોએ બનાવવાળી જગ્યાની આસપાસનો બે કિલોમીટરનો વિસ્તાર ફેંદી વળ્યા હતા અને ડ્રોન કેમેરાની પણ મદદ લીધી પરંતુ કશુ હાથ લાગ્યુ ન હતું.
સુરત મનપાની ટીમ આ વિસ્તારમાંથી કૂતરાને પકડી ગઇ
સુરત મહાનગર પાલિકની ટીમ પાસોદરા ગામની આસપાસના વિસ્તારોમાંથી રખડતા કૂતરાને પકડી ગયા હોવાની લોકોમાં ચર્ચાએ જોર પકડ્યુ હતું.
લોકો મૃત ઢોરો નાંખી જતાં કૂતરા ફર્યા કરે છે
પાસદોરા ગામ પાસે પાસોદરાથી કઠોદરા જતાં રોડ પર આવેલા ગૌચરની ખાલી જગ્યામાં મૃત હાલતમાં ઢોરો નાંખી જતાં હોવાથી કૂતરાઓ ફર્યા કરે છે.