આ દુનિયામાં કોઈ કલાકાર છે તો કોઈ કળાને પારખનારો છે. દુનિયામાં ઘણા એવા વિરલ મિનીએચર આર્ટના બનાવતા કલાકારો છે જેમની કલાકૃતિઓ નરી આંખે જ જોઈ શકાય છે. તો કેટલાક કળાના એવા શોખીનો પણ છે જે મિનીએચર કલાકૃતિઓનો સંગ્રહ વર્ષોથી કરતા હોય છે. આવા વ્યક્તિઓના શોખને જાણીને તેમના રિલેટિવ્ઝ કે મિત્રો પણ તેમને મિનીએચર કલાકૃતિઓની જ ભેટ આપતા હોય છે. આવા જ એક કળા પારખું સજ્જન સુરતમાં રહે છે. પ્રદીપભાઇ જડિયા તેઓ બેન્ક મેનેજર હતા તેમના ઘરે તમે જાઓ ત્યારે તમને 100 જેટલી 60 M.L.ની અલગ અલગ મનમોહક ડિઝાઈનની બોટલો જોવા મળશે. તો પ્રેમીઓના દિલ જીતી લેતો એકદમ નાનો તાજમહેલ છે. તો 15 M.L.ની પરફ્યુમની બોટલો છે. મિનીએચર કલાકૃતિઓનો ખજાનો તેમણે 50 વર્ષથી સંગ્રહ કરીને રાખેલો છે. તેમના આ શોખને પોષવા તેમના મિત્રો પણ તેમને દેશ-વિદેશની બેનમૂન મિનીએચર કલાકૃતિઓ ભેટ સ્વરૂપે આપે છે. ચાલો આપણે આ કળા પારખું પ્રદીપભાઈને મળીએ અને તેમને આ અનોખો શોખ કેવી રીતે લાગ્યો ? કયા ક્યા દેશની કલાકૃતિઓ તેમના ખજાનામાં છે તે જાણીએ….
18 વર્ષની ઉંમરથી મિનીએચર કલાકૃતિઓના સંગ્રહનો શોખ જાગ્યો
68 વર્ષના પ્રદીપ જડિયાએ જણાવ્યું કે, મને બાળપણથી નાની નાની વસ્તુઓ પ્રત્યે આકર્ષણ થતું. મારા ફાધર ફરસરામ જડિયાએ મને સ્વિચના ફોમમાં મિનીએચર પેપર વેઇટ ઉપરાંત CEAT કમ્પનીનું હાથની હથેળીમાં સમાઈ જાય એટલું નાનું ટાયર આપ્યું હતું. એની સાથે એક એશ ટ્રે પણ આપેલી. આ મિનીએચર વસ્તુઓની સાથે 18 વર્ષની ઉંમરથી મેં મિનીએચર કલાકૃતિઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. જોકે, તે સમયમાં મોબાઈલ ફોન નહીં હતા એટલે તેના ફોટા હું નહીં લઈ શક્યો. મારી લાઈફની એ ફર્સ્ટ કલાકૃતિઓ મારે પાસે હવે નથી.
100 મિનીએચર બોટલ વિવિધ દેશોમાંથી મેળવી
પ્રદીપ જડિયાએ જણાવ્યું કે મારી પાસે 15 M.L. અને તેનાથી પણ નાની બોટલોનો સંગ્રહ છે. એમાની કેટલીક બોટલો કિચેન ના સ્વરૂપમાં છે. 100 જેટલી બોટલ છે જે મેં સ્કોટલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને દુબાઈના પ્રવાસે ગયો હતો ત્યાંથી મેળવી છે. આ બધી જ બોટલો મેં જાતે ખરીદી છે તે બધી જ કાંચની છે અને અલગ-અલગ આકાર તથા ડિઝાઈનની છે. મારી પાસેની એકસરખી કલાકૃતિઓ બે કે તેથી વધારે હોય તો જ હું કોઈ માંગે તો આપું છું, પણ એક જ હોય તો હું આપવાની ના કહું છું.
મિત્રોએ વિવિધ દેશોમાંથી લાવીને આપી છે
પ્રદીપભાઈના સંગ્રહમાં ઘણીખરી કલાકૃતિઓ વિવિધ દેશોની છે. જેમકે, એક મિત્રએ એફિલ ટાવર પેરિસથી લાવીને આપેલું. ચાઇનાનું લાઈટર અને ફાનસ પણ તેમના કલેકશનમાં છે. એક મિત્રની ડોટરે ઇજિપ્તથી મમી લાવીને આપ્યું જે માટીનું છે. મલેશિયાથી લાવવામાં આવેલું ટિવન ટાવર, સિંગાપોરનું મરલાયન જે આંગળી પર મૂકી શકાય એટલું છે. કાશ્મીરથી તેમની ભત્રીજીએ શિકારા લાવીને આપેલું. ઢોલક-તબલા તે પોતે જયપુર-ઉદેપુરથી લાવેલા. બોલપેન અને એરોપ્લેન તથા સોપારી તોડવાની સૂડી તેમના શૉકેસની શોભા વધારી રહી છે.
4 ગ્રામનો ચાંદીનો તાજમહેલ છે
પ્રદીપભાઈના સંગ્રહમાં 50 વર્ષથી 4 ગ્રામનો ચાંદીનો તાજમહેલ છે. આ મિનીએચર કલાકૃતિ તેમના એક ફ્રેન્ડ દિલ્લીથી 1971માં લાવ્યા હતા. આ તાજમહેલના મિનારા કાઢીને ફિટ પણ કરી શકાય છે. 15 થી 20 જેટલી 15 M.L..ની પરફ્યુમની બોટલ પણ છે. આવી બોટલો પરફ્યુમ મેકર મિનીએચરના વસ્તુઓના સંગ્રહ કરનારા માટે બનાવતા હોય છે. પ્રદીપભાઈના ઘરમા ત્રણ શોકેસ છે જેમાંનું એક તો માત્ર 2 ફૂટનું છે અને બીજા બે શોકેસ દીવાલ પર ફિટ કરાયેલા છે. દાંડીમાં મિનીએચર બોટલમાં નમક ભરીને આપવામાં આવે છે તે પ્રદિપભાઈના ખજાનામાં છે તે ઉપરાંત મિનીએચર ચરખો પણ છે.
મિનીએચર સેક્સોફોન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે સાડા ચાર વર્ષ રાહ જોઈ
પ્રદીપભાઈએ જણાવ્યું કે, હું બાળપણથી મ્યુઝિક પાછળ ગાંડો હતો. હું બહુ જ નાનો હતો ત્યારે વરઘોડો નીકળતો તેમાં વરરાજાની આગળ રઝાક બેન્ડનું બેન્ડ વાગતું હું તેની પાછળ-પાછળ જતો. પછી મને યાદ આવતું કે હું બહુ આગળ નીકળી ગયો છું અને હવે મને ઘરનો રસ્તો યાદ નથી. ત્યારે હું ગોપીપુરા ક્ષેત્રપાલ શેરી જ્યાં હું રહેતો તેનો રસ્તો લોકોને પૂછતો. મને સેક્સોફોન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખવું હતું પણ મારી પાસે સમયનો અભાવ હતો એટલે હું શીખી નહીં શક્યો. મારા સંગ્રહમાં મિનીએચર સેક્સોફોન પણ હોય તેવી મારી ઇચ્છા હતી. તેને મેળવવા મેં ચાર-સાડા ચાર વર્ષ રાહ જોઈ. સુરતમાં તો તે નથી મળતું. મુંબઈમાં મળતું હતું પણ તે ક્રિસ્ટલનું હતું અને બહુ મોંઘુ હતું. મારી વાઈફ કુસુમની ફ્રેન્ડ તોરલ પટેલ આ મિનીએચર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ અમેરિકાથી મારા માટે લાવી હતી જે તાંબાનું છે.