સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાંથી એક ત્રણ વર્ષના બાળકના અપહરણનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ઘર આંગણે રમતા બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણકારને પકડી બાળકને મુક્ત કરાવ્યો છે.
ઉધના વિસ્તારમાં ઘર આંગણે રમતા 3 વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો. પોલીસને જાણ થતા પોલીસે 200 સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીના કલાકમાં અપહરણકારને ઝડપી પાડ્યો હતો. બાળકના વાળ લાંબા હોય આરોપીએ બદઈરાદાથી બાળકી સમજી તેનું અપહરણ કર્યું હોવાની પોલીસને આશંકા છે.
પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા આરોપીએ પોતાનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ જણાવ્યું હતું. આરોપી એક મહિના પહેલાં યુપીથી સુરત આવ્યો હતો.
ઘટના શું બની?
આ ઘટના ગઈકાલે તા. 29 ઓક્ટોબરની બપોરે આશરે 4 વાગ્યાના સુમારે બની હતી. ઉધનાની ધર્મયુગ સોસાયટી, આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નં. 55 ખાતે ઘર આંગણે ત્રણ વર્ષીય બાળક રમી રહ્યો હતો. ત્યારે એક અજાણ્યો ઈસમ બાળકને ઉઠાવી ગયો હતો. બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યો હોવાની આશંકા છે.
આ રીતે અપહરણકારને પોલીસે પકડ્યો
અપહરણ બાદ બાળકની માતાએ પોલીસને ફોન પર ફરિયાદ કરી હતી. પોલીસ તરત હરકતમાં આવી હતી. સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે અજાણ્યો ઈસમ માસૂમ બાળકને ઊંચકીને જઈ રહ્યો છે. ત્યાર બાદ પોલીસે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બાતમીદારોને કામે લગાડ્યા હતા.
પોલીસની ઝડપી સઘન તપાસને પગલે અપહરણકારની ઓળખ થઈ હતી અને તેને પકડી લેવાયો હતો. આરોપી દાનિશ (27) સુરતના પટેલનગર હરીનગર વિભાગ 2ની સામે રહે છે. તેનું ઘર ઘટનાસ્થળથી માત્ર એક કિલોમીટરના અંતરે હતું. પોલીસે આરોપીને તેના ઘરેથી જ પકડ્યો હતો. બદઈરાદે અપહરણ થયું હોવાની પોલીસને શંકા છે.