દૂધ, ઘી, તેલ, ખમણ, ઢોકળા સહિતના નમૂના એકત્રિત તહેવારો દરમ્યાન ભેળસેળ અટકાવવા વધુ ચકાસણીઓ થશે

વડોદરા શહેરમાં તહેવારોની સીઝનને લઈ લોકો ખાદ્ય પદાર્થોની વિશાળ પ્રમાણમાં ખરીદી કરે છે. તેવા સમયમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખા સક્રિય બની છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 8 દુકાનો પર આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. આ દરમ્યાન કુલ 10 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કરીને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તહેવારોમાં વધતા ખાદ્ય પદાર્થોના વેચાણ વચ્ચે ભેળસેળ અને અસુરક્ષિત ખોરાક બજારમાં ન વેચાય તથા નાગરિકોને માત્ર ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ ખોરાક જ મળી શકે. આવા અભિયાનથી વેપારીઓમાં જાગૃતિ વધશે અને તેઓ પણ ગુણવત્તા જાળવવા પ્રોત્સાહિત થશે.
જે સ્થળે થી નમૂનાઓને લેવામાં આવ્યા તે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેના આધાર પર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા શુદ્ધતાની સત્તાવાર પુષ્ટિ થશે.
કયા સ્થળોએ કર્યુ ચેકિંગ?
ખોરાક શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા નિરીક્ષણ દરમ્યાન નીચે મુજબના નમૂના લેવામાં આવ્યા:
કોઠી ચાર રસ્તા: શ્રી ગોવર્ધન ડેરીમાંથી ગાયના દૂધનું સેમ્પલ લેવાયું.
માંજલપુર: સોહમ ડેરીમાંથી દૂધનો નમૂનો લેવામાં આવ્યો.
ખોડીયાર નગર: અંબિકા ખમણની દુકાનમાંથી ચણાની દાળનો નમૂનો એકત્રિત કર્યો.
સરદાર એસ્ટેટ પાછળ: તન્ના બેકરીમાંથી માખણીયા બિસ્કીટનો નમૂનો લેવામાં આવ્યો, સાથે જ અલીફ હોસ્પિટાલીટી રેસ્ટોરન્ટમાં પણ તપાસ હાથ ધરાઈ.
ઝેપ્ટો અને વાસણા જકાતનાકા વિસ્તાર: નટ્સ એન્ડ ડીલાઇટમાંથી જીરુંનો નમૂનો એકત્રિત કરાયો.
નિઝામપુરા વિસ્તાર: જલારામ લસ્સી સેન્ટર એન્ડ ખમણ હાઉસમાંથી સીંગતેલ, પ્રિપેઈડ ખમણ, મસાલા તેમજ ઢોકળાના નમૂનાઓ લેવામાં આવ્યા.