શાંતિનગરમાં અઠવાડિયાથી ગંદા પાણીનો કહેર: નેતાઓના પાપે જનતા બજારમાંથી પાણીના જગ ખરીદવા અને હેન્ડપંપના સહારે જીવવા મજબૂર

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ નેતાઓ પ્રજાની વચ્ચેથી ગાયબ થઈ ગયા હોવાનો જીવંત પુરાવો શહેરના વોર્ડ નંબર ૧૬માં જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર ૧૬માં આવેલા શાંતિનગર વિસ્તારના રહીશો છેલ્લા એક અઠવાડિયાથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી અતિશય ગંદુ અને દૂષિત પાણી આવી રહ્યું હોવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને પગલે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે, ચૂંટણી ટાણે હાથ જોડીને મતો માગવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવવા પણ રાજી નથી. આ વિસ્તાર ભાજપના શાસક પક્ષના દંડક વિજયભાઈ ચૌહાણનો હોવા છતાં પ્રજા પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. રહીશો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે, “દંડક વિજયભાઈ ચૌહાણ, અમે તમને વોટ આપ્યા છે, હવે અમને પીવાનું શુદ્ધ પાણી તો આપો!” આ વોર્ડમાં ભાજપના બે અને કોંગ્રેસના બે કાઉન્સિલરો પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ પક્ષીય રાજકારણથી પર થઈને જનતાની પાયાની જરૂરિયાત સંતોષવામાં બંને પક્ષના નેતાઓ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે. ઇલેક્શન પૂરું થયા પછી આજ દિન સુધી એક પણ કાઉન્સિલર વિસ્તારની મુલાકાતે કે લોકોની સમસ્યા સાંભળવા આવ્યો નથી.
હાલમાં શાંતિનગરની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કોર્પોરેશન દ્વારા લાઈનોમાં અપાતું પાણી પીવાલાયક ન હોવાથી, લોકોને નાછૂટકે જાહેર હેન્ડપંપ પર પાણી ભરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. રોજ સાંજ પડતાં જ હેન્ડપંપ પર પાણી ભરવા માટે સ્થાનિકોની લાંબી લાઈનો દ્રશ્યમાન થાય છે, જેમાં મહિલાઓ કલાકો સુધી ઊભા રહીને પાણી ભરવા મજબૂર બની છે. એટલું જ નહીં, રસોઈ અને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને રોજેરોજ બજારમાંથી પાણીના જગ ખરીદવા પડી રહ્યા છે. મોંઘવારીના આ જમાનામાં પીવાના પાણી માટે રોજનો વધારાનો ખર્ચ કરવો પડતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.
નાગરિકોનું કહેવું છે કે પાણી એ માણસની પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાત છે. જો મહાનગરપાલિકા અને સત્તાધીશો નિયમિત વેરો ઉઘરાવ્યા પછી પણ પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકતા ન હોય, તો આનાથી મોટી વહીવટી નિષ્ફળતા બીજી કઈ હોઈ શકે? ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના કાઉન્સિલરો સામે સ્થાનિકોમાં તીવ્ર નારાજગી વ્યાપી ગઈ છે. જો આગામી દિવસોમાં આ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.