ખાતર ખાલી કરી પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના, રણાફળિયા પાસે ટ્રક-ટ્રેક્ટર અથડાયા
પાવીજેતપુર: પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામના રણાફળિયા નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 30 વર્ષીય યુવકનું કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, સુસ્કાલ ગામના કેટલાક યુવાનો ટ્રેક્ટરમાં ખાતર ભરી ખેતરે ગયા હતા અને કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન રણાફળિયા નજીક સામેથી આવી રહેલી એક બેકાબૂ ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેક્ટરને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘનશ્યામભાઈ રાઠવાનું મોત, પરિવાર અને ગામમાં શોકની લાગણી
અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક અને સુસ્કાલ ગામના વતની 30 વર્ષીય ઘનશ્યામભાઈ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના સમાચાર મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, જ્યારે સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
યુવાનના અકાળ અવસાનથી ગામમાં ગમગીની
મહેનતકશ યુવાન ઘનશ્યામભાઈ રાઠવાના અકાળ અવસાનથી સુસ્કાલ ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. ગ્રામજનો અને સગાસંબંધીઓએ મૃતકને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અકસ્માતે ફરી એકવાર માર્ગ સલામતી અને ભારે વાહનોની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
રિપોર્ટર :આરીફ