Dabhoi

પોલીસ પર હુમલો ભારે પડ્યો: ‘રાજા’ ગરાસિયાને ડભોઈ પોલીસે દબોચ્યો

છોડના પિંજરાને લઈને બોલાચાલી બાદ મારામારી, ફરિયાદીને ઇજા

ડભોઇ: ડભોઈના મહુડીભાગોળ વિસ્તાર બહાર છોડના પિંજરાને હટાવવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારી અને ગાળાગાળીનો બનાવ સામે આવ્યો હતો. ફરિયાદી સમીરખા ખોખરની ફરિયાદ અનુસાર નિઝામુદ્દીન કાલુમિયા સૈયદ, બદરુદ્દીન કાલુમિયા સૈયદ, પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા તથા સમીર સિકંદર ગરાસિયાએ ટોળું બનાવી હુમલો કર્યો હતો.

આ દરમિયાન બદરુદ્દીન સૈયદે માટીનું કુંડું ઉઠાવી ફરિયાદી પર હુમલો કરતાં સમીરખા ખોખરના ડાબા હાથના અંગૂઠામાં ઇજા પહોંચી હતી. બનાવ દરમિયાન આરોપીઓએ છૂટા હાથની મારામારી કરી તેમજ બિભત્સ ગાળો બોલી વાતાવરણ તંગ બનાવી દીધું હતું.

પોલીસ પર હુમલા બાદ કાર્યવાહી તેજ, આશરો આપનારાઓમાં પણ ફફડાટ

ઘટના બાદ પોલીસ કાર્યવાહી માટે પહોંચતા આરોપીઓએ “આપડાને જ પકડે છે” કહી પોલીસ કર્મચારીઓ સાથે પણ અણછાજતું વર્તન કરી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરનાર ડભોઈ પોલીસે મુખ્ય આરોપી પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું છે કે પોલીસ પર હુમલાના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને ઝીણવટભરી તપાસ ચાલુ છે. સાથે જ ફરાર આરોપીઓને આશરો કે મદદ કરનાર વ્યક્તિઓ સામે પણ કડક પગલાં ભરવામાં આવશે. પોલીસની આ જાહેરાત બાદ આરોપીઓને શરણ આપનાર અથવા મદદરૂપ બનનાર તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફરાર આરોપીઓ સુધી પહોંચવા પોલીસની કવાયત

ડભોઈ પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ પર હુમલા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કાયદાના ચંગુલમાંથી બચવા નહીં દેવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

રિપોર્ટર: દીપક જોશી

Most Popular

To Top