Vadodara

જનતા પાણી માટે વલખાં મારે છે અને વાઘોડિયા રોડ પર બે દિવસથી વહી રહી છે નદીઓ!

​’પાણી ચાલુ છે એટલે કામ નહીં થાય’ કહીને કોન્ટ્રાક્ટર ગાયબ; સ્થાનિક કાઉન્સિલરોની લાચારીથી લોકોમાં ભારે રોષ

વડોદરા: એકતરફ ઉનાળાની સિઝનમાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ગયેલી જનતા આંદોલનો કરી રહી છે, તો ક્યાંક મહિલાઓ માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવી રહી છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પાણીનો બગાડ અટકાવવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલ મહેશ નગરની સામે, ગોકુલ ટેનામેન્ટના ગેટની પાસે મેન રોડ પર છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઈનમાં મોટું લીકેજ થયું છે, જેના કારણે લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે.
​સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ અંગે પાલિકાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જોકે, તંત્રના માણસોએ સ્થળ પર આવીને એવું વિચિત્ર બહાનું કાઢ્યું હતું કે, ‘અત્યારે પાણી ચાલુ છે એટલે કામ નહીં થાય, અમે કાલે આવીને રિપેરિંગ કરીશું.’ આ આશ્વાસન આપ્યા બાદ પણ બીજા દિવસે કોઈ જ કર્મચારી કે કોન્ટ્રાક્ટર ફરક્યા નથી. પરિણામે કિંમતી પાણીનો સતત બગાડ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા એકબાજુ નાગરિકોને ‘પાણી બચાવો’ના ઉપદેશો આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ પોતાની જ આંખ સામે થતો આટલો મોટો પીવાના પાણીનો બગાડ અટકાવવામાં તંત્ર લાચાર કેમ છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
​સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો પણ રોજેરોજ આ જ મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે. રસ્તા પર વહેતા પાણીનું પૂર તેમની નજરે પડવા છતાં, તેઓ પાલિકાના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી કરાવી શક્યા નથી. કાઉન્સિલરોની આ નિષ્ક્રિયતા જોઈને સ્થાનિકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે જનપ્રતિનિધિઓ પણ ભ્રષ્ટ કે આળસુ તંત્ર સામે લાચાર થઈ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે આ કિંમતી પાણીનો વેડફાટ ક્યારે બંધ થશે અને કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર ક્યારે જાગશે.

Most Popular

To Top