શેરબજારમાં આજે એટલે કે 9 જૂને તેજી જોવા મળી રહી છે. ગઈકાલે ભારે ઘટાડા બાદ રોકાણકારોમાં ખરીદીનો માહોલ જોવા મળતાં સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 74,000ની સપાટી નજીક કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ આશરે 150 પોઈન્ટ વધીને 23,259ના સ્તરે પહોંચી ગયો છે. બજારમાં ખાસ કરીને ઓટો અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબાર દરમિયાન રોકાણકારોએ ગઈકાલના ઘટાડા બાદ પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. જેના કારણે બજારના મોટા ભાગના સેક્ટરોમાં તેજી જોવા મળી રહી છે. ઓટોમોબાઈલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં રોકાણકારોનો રસ વધતાં આ બંને ઇન્ડેક્સ અન્ય સેક્ટરોની સરખામણીએ વધુ મજબૂત રહ્યા હતા.
એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 4 ટકા સુધી ઉછળ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ પણ 1 ટકાની નજીક વધ્યો હતો. જોકે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય બજારે સકારાત્મક શરૂઆત કરી હતી. અમેરિકન બજારોમાં પણ અગાઉના સત્રમાં મિશ્ર કારોબાર નોંધાયો હતો. ટેક્નોલોજી શેરોના સહારે નાસ્ડેક ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ પણ સામાન્ય વધારા સાથે બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) તરફથી વેચવાલીનો દબાણ હજુ પણ યથાવત છે. 8 જૂનના રોજ વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 5,556 કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ રૂ. 5,165 કરોડના શેરોની ખરીદી કરીને બજારને ટેકો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટીને 73,524 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 244 પોઈન્ટના ઘટાડા સાથે 23,123 પર બંધ રહ્યો હતો. પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગેની ચિંતાઓના કારણે રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ગઈકાલના કારોબારમાં કેપિટલ ગુડ્ઝ, ઓટો, મેટલ, આઈટી, બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. ઘણા મોટા શેરોમાં 3થી 10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં રૂ. 6.32 લાખ કરોડનો ઘટાડો થયો હતો. જોકે આજે બજારમાં જોવા મળી રહેલી તેજીથી રોકાણકારોમાં થોડો વિશ્વાસ પરત ફરતો જોવા મળી રહ્યો છે. હવે રોકાણકારોની નજર વૈશ્વિક બજારોના સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી રોકાણકારોની આગામી ચાલ પર રહેશે, જે આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.