ડાયાલિસિસના ગંભીર દર્દીઓને ગોત્રી GMERS હોસ્પિટલના ધક્કા
તંત્ર મૂક પ્રેક્ષક, મફત સારવારના દાવા વચ્ચે ગરીબ દર્દીઓ રામભરોસે, સગાંઓ જાતે ઊંચકીને લઈ જવા તૈયાર હોવા છતાં તંત્રે સારવાર આપવાનો સાફ ઇનકાર કર્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.9
ગુજરાતની મધ્યમાં આવેલી અને ગરીબોની જીવાદોરી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીના કારણે ગંભીર હાલતમાં આવેલા ડાયાલિસિસના દર્દીઓની સારવાર અટવાઈ પડી છે. છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલની લિફ્ટ બંધ હોવાના કારણે દર્દીઓને તેમના સગાંઓ સાથે ગોત્રી હોસ્પિટલના ધક્કા ખાવા મજબૂર થવું પડી રહ્યું છે, જેને પગલે દર્દીઓના પરિવારોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
સયાજી હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડ ઉપરના માળે આવેલો છે. છેલ્લા ૪ થી ૫ દિવસથી આ બિલ્ડિંગની લિફ્ટ ટેકનિકલ ખામીના કારણે બંધ હાલતમાં છે. ડાયાલિસિસ કરાવવા આવતા મોટાભાગના દર્દીઓ ચાલી શકે તેવી સ્થિતિમાં હોતા નથી. ગંભીર દર્દીઓને ઉપરના માળે લઈ જવાનું અશક્ય બનતાં હોસ્પિટલ મેનેજમેન્ટે દર્દીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે સીધા જ ગોત્રી હોસ્પિટલ રિફર કરવાનું શરૂ કરી દીધું છે. ૨૪ કલાકમાં રિપેર થઈ શકે તેવી સામાન્ય લિફ્ટ ૫ દિવસ સુધી બંધ રહેતા હોસ્પિટલના નબળા મેનેજમેન્ટ અને દર્દીઓ પ્રત્યેની સંવેદનહીનતા સામે અનેક સવાલો ઉભા થયા છે.
હોસ્પિટલની આવી અમાનવીય નીતિનો ભોગ બનેલા દર્દીના પરિવારજન જાવેદ અલી મકરાણીએ પોતાનો આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે, મારા પિતાને ૪ દિવસથી સતત ઉલ્ટીઓ થતી હતી. ઇમરજન્સીમાં સયાજી લાવ્યા તો ડોક્ટરોએ તાત્કાલિક ડાયાલિસિસ જરૂરી હોવાનું કહ્યું. અમે રાજી થયા પણ લિફ્ટ બંધ હોવાનું બહાનું કાઢી ગોત્રી જવાનું કહી દીધું. અમે જાતે જ પિતાને ઊંચકીને ઉપર લઈ જવાની તૈયારી બતાવી, તેમ છતાં હોસ્પિટલે સારવાર આપવાનો સાફ ઈનકાર કરી દીધો.
એક તરફ સરકાર સરકારી હોસ્પિટલોમાં વર્લ્ડ ક્લાસ અને મફત સારવારના મોટા-મોટા દાવા કરે છે. લિફ્ટ જેવી અતિ પ્રાથમિક સુવિધાના અભાવે ગરીબ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ધકેલી દેવામાં આવે છે. સયાજીમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ આવે છે, જેઓ ખાનગી હોસ્પિટલનો મોંઘો ખર્ચ ઉઠાવી શકતા નથી.
હવે જોવાનું એ રહે છે કે ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરું ? શું તાત્કાલિક ધોરણે લિફ્ટ રિપેર કરાવીને ગરીબ દર્દીઓને રાહત અપાશે કે પછી દર્દીઓએ આમ જ હેરાન થતા રહેવું પડશે ?