Business

આધુનિક સુખ-સુવિધાની સાથે સાથે આદિવાસી પરંપરા જાળવીને બેઠેલું બારડોલી તાલુકાનું ગામ : નાની ભટલાવ

બારડોલી તાલુકાના મઢી-કડોદ રોડ પર કુદરતના સાંનિધ્યમાં અને વિચ્છણ નદીના કિનારે વસેલું નાની ભટલાવ ગામ આજે ગ્રામીણ એકતા અને દીર્ઘદૃષ્ટિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આશરે 190 હેક્ટરમાં ફેલાયેલું આ નાનકડું ગામ ભૌગોલિક રીતે કાંટી ફળિયા, ઓરગામ, ભેંસુદલા, મઢી અને સુરાલી જેવાં ગામોની સરહદ સાથે જોડાયેલું છે. નાની ભટલાવ ગામની સૌથી મોટી વિશેષતા તેની સામાજિક એકતા છે. ગામમાં મુખ્યત્વે ચૌધરી સમાજની વસતી છે. જો કે, આ ગામની સુંદરતા તેની વિવિધતામાં છે; અહીં બે પરિવારો અન્ય સમાજના છે, જેમાં એક ચૌહાણ પરિવાર અને એક રબારી પરિવારનો સમાવેશ થાય છે. વર્ષોથી આ તમામ પરિવારો હળીમળીને એકતા સાથે રહી ગામના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આધુનિક સમયમાં જ્યારે ગામડાઓ શહેરીકરણ તરફ વળી રહ્યા છે, ત્યારે નાની ભટલાવ પોતાની પ્રાકૃતિક મર્યાદાઓ અને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખીને પ્રગતિ કરી રહ્યું છે. નદી કિનારાનું શાંત વાતાવરણ અને સહકારી ભાવના આ ગામને બારડોલી તાલુકાનું એક રત્ન બનાવે છે. યુવા સરપંચ અંકિત પટેલ જણાવે છે કે, ગામમાં ક્યારેય પોલીસ કેસની જરૂર પડતી નથી. નાના-મોટા મતભેદો પંચાયત સ્તરે જ ઉકેલી લેવાય છે. સુખ હોય કે દુઃખ, નાની ભટલાવના લોકો હંમેશા એક થઈને ઊભા રહે છે.

આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનાં દર્શન


બારડોલી તાલુકાનું નાની ભટલાવ ગામ માત્ર તેની ખેતી માટે જ નહીં, પરંતુ તેની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખવા માટે પણ જાણીતું છે. આધુનિકતાના આ યુગમાં જ્યાં પ્રાદેશિક ભાષાઓ વિસરાઈ રહી છે, ત્યાં નાની ભટલાવના ગ્રામજનોએ પોતાની આગવી ઓળખ અકબંધ રાખી છે. ગામની સંસ્કૃતિનાં બે મુખ્ય પાસાં છે.  
બોલી: ગામના લોકો પરસ્પર વાતચીત કરવા માટે આજે પણ પોતાની માતૃભાષા એવી ‘ચૌધરી બોલી’નો જ આગ્રહ રાખે છે. નવી પેઢી પણ આ બોલી સાથે જોડાયેલી છે, જે તેમની સાંસ્કૃતિક નિષ્ઠા દર્શાવે છે.
વારલી કલાનો વારસો: ગામની શેરીઓમાં પ્રવેશતા જ આદિવાસી પરંપરાના દર્શન થાય છે. અહીંનાં કાચાં અને પાકાં ઘરોની દીવાલો ઉપરાંત ગ્રામ પંચાયત, શાળા પરિસર અને પુસ્તકાલય પર સુંદર વારલી ચિત્રો અંકિત કરવામાં આવ્યાં છે. પ્રકૃતિ, નૃત્ય અને ગ્રામીણ જીવનને કંડારતી આ કલા ગામની દીવાલોને જીવંત બનાવે છે. આમ, નાની ભટલાવ ગામ પોતાની બોલી અને વારલી ચિત્રકલા દ્વારા આદિવાસી સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
કૃષિ અને પશુપાલન: આર્થિક કરોડરજ્જુ


ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ભૌગોલિક રીતે મઢી સુગર ફેક્ટરી નજીક હોવાથી, ખેડૂતો મોટા પાયે શેરડીનું વાવેતર કરે છે. શેરડી અહીંના ખેડૂતો માટે રોકડિયા પાક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત  વિચ્છણ નદીના પાણી અને અનુકૂળ જમીનને કારણે ચોમાસુ તેમજ ઉનાળુ ડાંગરનો પાક પણ લેવામાં આવે છે.  પૂરક આવક માટે ખેડૂતો વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી પણ કરે છે.
વડીલોની દીર્ઘદૃષ્ટિ અને ગામની માલિકીની જમીન
સામાન્ય રીતે ગામડાંમાં પંચાયત હસ્તકની ગોચર જમીનો હોય છે, પરંતુ નાની ભટલાવમાં સ્થિતિ કંઈક અલગ અને પ્રેરણાદાયક છે. સરપંચ અંકિત ચૌધરીના જણાવ્યા મુજબ ગામના વડીલોએ ખૂબ જ દીર્ઘદૃષ્ટિ દાખવી હતી. તેમણે જે-તે સમયે ગામના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને ‘ગામ સમસ્ત’ની જમીનો ખરીદી હતી. આજે પરિસ્થિતિ એવી છે કે પંચાયતની માલિકીની જમીન કરતાં ગામ સમસ્તની જમીનનું પ્રમાણ વધુ છે, જે ગામના સામુદાયિક વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
દિવાળી પૂર્વે સમૂહ સફાઈ અને સ્મશાન માટે લાકડાંની સેવા


બારડોલી તાલુકાનું સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું નાની ભટલાવ ગામ  એકતા અને વ્યવસ્થાપનનું મિશાલ બન્યું છે. આ ગામમાં વર્ષોથી બાપ-દાદાના વખતની એક એવી પરંપરા ચાલી આવે છે, જે સાબિત કરે છે કે જો સંકલ્પ હોય તો મુશ્કેલીના સમયે કોઈ પરિવારને એકલતા અનુભવવી પડતી નથી. દિવાળી પૂર્વે સમૂહ સફાઈ અને લાકડાં સેવા કરવામાં આવે છે. ગામમાં દર વર્ષે દિવાળી પહેલા આખું ગામ ભેગું મળી સફાઈ અભિયાન હાથ ધરે છે. ગામના અંદાજે 300 ઘરમાંથી દરેક પરિવારનો એક સભ્ય આ કાર્યમાં જોડાય છે. જાહેર સ્થળોની સફાઈ બાદ, તમામ ગ્રામજનો સમૂહમાં સ્મશાન માટે લાકડાં કાપવા જાય છે. આ પરંપરાનો મુખ્ય હેતુ ગામમાં જ્યારે કોઈ દુખદ પ્રસંગ બને, ત્યારે શોકાતુર પરિવારને લાકડાં શોધવા માટે ભટકવું પડતું નથી. ગ્રામજનો સ્મશાનમાં એક વર્ષ ચાલે તેટલો લાકડાંનો જથ્થો અગાઉથી જ એકત્ર કરી દે છે, જેથી ચોમાસામાં લીલા લાકડાને કારણે અગ્નિદાહ આપતી વખતે પડતી તકલીફોથી બચી શકાય.

વડના વૃક્ષ નીચે પ્રકૃતિ પૂજાની પરંપરા આજે પણ જીવંત


નાની ભટલાવ ગામના હૃદય સમાન વિશાળ વડના વૃક્ષ નીચે આદિવાસી સંસ્કૃતિની અતૂટ ધરોહર સમાન પ્રકૃતિ પૂજાની પરંપરા આજે પણ જીવંત છે. અહીં વર્ષમાં એકવાર ભવ્ય ઉત્સવ ઉજવાય છે, જેમાં આખું ગામ ઉમટી પડી શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવની આરાધના કરી સામુદાયિક એકતાના દર્શન કરાવે છે.

Most Popular

To Top