ગાંધીનગર : આજરોજ કચ્છના ગાંધીધામ ખાતે વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ ૩૩૪ MSME એકમો સાથે રૂ.૮૫૦૦ના કરોડના MoU સાઈન થયા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કચ્છની ખમીરવંતી પ્રજાએ અનેક કુદરતી આફતોની પીડા વેઠીને આજે કચ્છને વિકાસનું કેન્દ્ર બનાવ્યું છે. સરકારના વિઝન અને કચ્છીઓની ખુમારી થકી કચ્છ ઔદ્યોગિક હબ બન્યું છે.
કચ્છ આજે ટુરીઝમ, ખેતી તથા ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર બન્યું છે. કચ્છ રીન્યુએબલ એનર્જીનું હબ સાથે દેશનો ૪૦ ટકા કાર્ગો હેન્ડલ કરી રહ્યું છે. મોઢવાડિયાએ આવનારા સમયમાં કચ્છ ઇલેકટ્રોનિક કમ્પોનન્ટના પીસીબીના નિમાર્ણ માટે, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર, બ્લુ ઇકોનોમી જેવા ક્ષેત્રના વિકાસ માટે મુખ્ય કેન્દ્ર બની શકે તેમ હોય રોકાણકારોને તેમાં જોડાવવા હાકલ કરી હતી.