મગફળીના મબલખ ઉત્પાદનને પગલે સિંગતેલના ભાવોમાં ડબ્બા દીઠ રૂ.દોઢસોનો ઘટાડો..
કપાસિયા તથા પામોલિન તેલના ભાવોમાં પંદર દિવસમાં ડબ્બા દીઠ રૂ.50નો ઘટાડો…
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
મોંઘવારીમાં લોકોને થોડીક રાહત થઇ છે.હાલમા મગફળીના મબલખ ઉત્પાદનને કારણે સીંગતેલના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સાથે સાથે છેલ્લા પંદર દિવસમાં કપાસિયા અને પામોલિન તેલના ભાવોમાં પણ 15કિ.ગ્રાના પ્રતિ ડબ્બા પર રૂ 40 થી રૂ 50નો ઘટાડો થયો છે.
સરકાર દ્વારા ટેક્સમા ફેરફાર કરતાં છેલ્લા કેટલાક સમયથી પામોલિન તેલ, કપાસિયા, સોયાબીન તથા સીંગતેલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો જેના કારણે મોંઘવારીમાં પડતા પર પાટું સમાન આ ખાદ્યતેલના ભાવો વધતાં લોકોની ચિંતામાં વધારો થયો હતો તેની પાછળનું કારણ એ હતું કે, નવરાત્રી, દિવાળીના તહેવારો સામે હતા ઉપરાંત ગત ઓગસ્ટમાં આવેલા અતિવૃષ્ટિના કારણે લોકોને આર્થિક નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો ઉપરાંત શહેરમાં આગામી દિવસોમાં તેલના ભાવો હજી વધશે તેવી અફવાઓનું બજાર ગરમ રહ્યું હતું પરંતુ આ બધાં પરિબળો વચ્ચે હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે.દેશમા મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનો સારો પાક ઉતર્યો છે જેના કારણે મીલોમા મગફળીની સારી આવક આવી છે જેના કારણે દિવાળી પહેલાં મગફળીના 15કિલોના પ્રતિ ડબ્બાનો ભાવ રૂ.2750 હતા તે હાલમાં રૂ.2600થી 2650 વચ્ચે થ ઇ ગયા છે.જ્યારે પંદર દિવસ પહેલાં કપાસિયા તેલ અને પામોલિન તેલના ભાવો15કિ.ગ્રા.ના પ્રતિ ડબ્બાનો ભાવ રૂ.2300 હતો તેના હાલમાં રૂ.2250થયા છે તે જ રીતે પામોલિન તેલના ભાવમાં પણ રૂ્ 40નો પ્રતિ ડબ્બે ભાવ ઘટતાં રૂ્ 2150 થયા છે.
હાલમાં તેલના ભાવો (પ્રતિ 15કિ.ગ્રા) દીઠ રૂ.
કપાસિયા રૂ. 2250
પામોલિન તેલ રૂ.2150
સોયાબીન તેલ રૂ.1950 થી રૂ.2000
સીંગતેલ રૂ.2600 થી 2650
આગામી દિવસોમાં કપાસિયા તેલના ડબ્બા જેટલો ભાવ સિંગતેલના ડબ્બાનો થઈ શકે છે
આ વર્ષે મગફળીનો પાક ઘણો સારો રહ્યો છે જેના કારણે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે અને મગફળીના આવકમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સીંગતેલના ભાવોમાં પ્રતિ ડબ્બે (15 કિ.ગ્રા)દોઢસો રૂપિયા સુધીનો ઘટાડો થયો છે હાલમાં સીંગતેલના જે રીતે ભાવો ઘટ્યાં છે તે જોતાં આગામી દિવસોમાં કપાસિયા તેલના ડબ્બાની સરખામણીમાં સીંગતેલના ભાવો આવી જાય તો નવાઇ નહીં.
નૂતનભાઇ અગ્રવાલ -તેલના હોલસેલ વેપારી, વાઘોડિયારોડ
સિંગતેલના તેલના ભાવોમાં ઘટાડો થતાં જનતાને મોંઘવારીમાં થોડી રાહત મળી છે
હાલમાં જે રીતે મગફળીના મબલખ ઉત્પાદનને કારણે સીંગતેલના ભાવોમાં ઘટાડો થયો છે સાથે જ કપાસિયા તેલના ભાવમાં પણ પ્રતિ ડબ્બે જે પ્રમાણે આંશિક રાહત મળી છે તેનાથી જનતાને ખુશી છે.કપાસિયા તેલ મોંઘું થતાં લોકો સીંગતેલ વાપરવા તરફ વળ્યા હતા હવે ખાદ્યતેલના ભાવો ઘટવાને કારણે શિયાળામાં લોકો ભજીયા વિગેરેનો સ્વાદ લોકો માણશે.
-શ્રધ્ધાબેન શર્મા -ગૃહિણી, વડોદરા