ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે આદિજાતિ કલ્યાણ વિભાગની 3410 કરોડની અંદાજપત્રીય જોગવાઈ મંજૂર કરાઈ હતી. આ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી કૂબેર ડિંડોળે કહ્યું હતું કે, આઝાદી પછી રાજ્ય હોય કે કેન્દ્ર ત્યારે તો કોંગ્રેસનું એકહથ્થુ શાસન હતું. ત્યારે આદિવાસી સમાજની વર્ષો સુધી ઉપેક્ષા થતી રહી, સમાજ મુખ્યધારાથી વિખૂટો પડી ગયો. કોંગ્રેસે આ સમાજનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે જ કર્યો છે. જયારે પીએમ નરેન્દ્ર મોદી સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે ચાલી રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૧૩ વર્ષમાં ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ।. ૧ લાખ કરોડની રકમ કરતા વધારે આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવ્યા છે. જે થકી રાજયના આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિદ્ધ કર્યા છે. વનબંધુ કલ્યાણ યોજના-ર હેઠળ ર૦રર થી ર૦રપ-૨૬ સુધી ૧ લાખ કરોડની રકમ આદિવાસીઓનાં સંવર્ગ ઉત્થાન માટે સરકારે નક્કી કરેલ છે. એના ભાગ રૂપે ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ વર્ષમાં ૨૯ હજાર કરોડ કરતા વધારે જોગવાઇને ખર્ચ થયો છે.
તેમણે જણાવ્યું હતું કે, આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેનાર આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાની માટે નર્મદા જિલ્લાના ગરૂડેશ્ર્વર ખાતે ૨૫ એકર જમીનમાં રૂ।.૧૩૭ કરોડ ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનુ સંગ્રાહલય બનાવવા આવી રહ્યું છે. ટ્રાયબલ ફ્રિડમ ફાઇટર મ્યુઝિયમમાં રાજપીપળા, કેવડિયા ખાતે દેશની કુલ ૯૭ આઝાદીની ચળવળની (સ્વતંત્રતાની લડાઇ) વિગતો સમાવવામાં આવશે. જે પૈકી મુખ્ય જનજાતિ નાયકોના સ્વાતંત્ર્ય સંગ્રામો ૧૬ ગેલેરી માં પ્રદર્શિત કરવામાં આવશે. ચાલુ વર્ષમાં ૦૫ કરોડની બજેટ જોગવાઇ કરી છે.
હાલમાં ૭૫ ટકા બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ।.૩૪૧૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. ફોરેસ્ટ રાઇટ્સ એકટ ૨૦૦૬ હેઠળ રાજ્યમાં અંદાજે ૯૫ હજાર જેટલા આદિજાતિ કુટુંબને જમીનના અધિકારો આપવામાં આવ્યા છે અને બાકી દાવાઓની યોગ્ય નિકાલની પ્રક્રિયા ચાલુ છે. ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય આપવા માટે ૬૦ કરોડની જોગવાઇ કરાઈ છે.
રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ૦૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મેડિકલ, ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતાં આદિવાસી વિદ્યાર્થીઓને મળતી સહાયમાં 5000 નો વધારો કરાયો છે. જેમાં મેડિકલમાં સહાય દર રૂ. ૧૦,૦૦૦ થી વધારી રૂ. ૧૫,૦૦૦, ડીગ્રી એન્જિનિયરિંગમાં સહાય દર રૂ. ૮,૦૦૦ થી વધારી રૂ. ૧૦,૦૦૦, ડીપ્લોમાં એન્જિનિયરિંગમાં સહાય દર રૂ. ૩,૦૦૦ થી વધારી રૂ. ૫,૦૦૦ કરાયો છે.
ધોરણ ૧૦ અને ૧૨માં રાજય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જનજાતિના પ્રથમ ૧ થી ૩ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાયમાં વધારો કરાયો છે. જેમાં રાજયકક્ષાએ દરેક સ્તરે રૂ. ૨૦,૦૦૦નો વધારો અને જિલ્લાકક્ષાએ દરેક સ્તરે રૂ. રૂ. ૫૦૦૦ થી ૯૦૦૦ સુધીનો વધારો કરાયો છે. ધો.૧૨માં ૭૦% ગુણની જોગવાઇ દૂર કરી દેવાઈ છે, જેના કારણે અંદાજે ૩૦,૦૦૦ આદિવાસી વિદ્યાર્થીઓને સરકાર ટેબ્લેટ આપવાનો સીધો લાભ આપશે, જેના માટે બજેટમાં રૂા. 3 કરોડની જોગવાઇ કરાઈ છે.ધો.૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી વિદ્યાસાધના યોજના સાયકલ ભેટ આપવામાં આવે છે. જેનાથી અંદાજે ૪૧,૯૪૦ કન્યાઓને સાયકલ ભેટનો લાભ મળશે. આ યોજના માટે બજેટમાં રૂા. ૧૮ કરોડની જોગવાઇ કરાઈ છે.