સુરત: (Surat) વેસુ ખાતે એસએમસી આવાસમાં હત્યાની (Murder) ઘટના પ્રકાશમાં આવી હતી. યુવકની હત્યા હસી મજાક બાદ થયેલા ઝઘડામાં તેના બે મિત્રોએ જ કરી હતી. ઉમરા પોલીસે (Police) હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. હત્યાને કારણે 6 માસની દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ હત્યા કરનારે પણ સામી ફરિયાદ નોંધાવી છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ એસએમસી આવાસમાં રહેતા 19 વર્ષીય કનૈયા શંકર રાઠોડે ઉમરા પોલીસ સ્ટેશનમાં ભાઈના હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે રાત્રે કનૈયા તેના ભાઈ દિપુ અને દિપુની પત્ની જાગૃતિ અને તેની ભાભી પાયલ સાથે જમીને નીચે આંટો મારવા ગયા હતા. ત્યારે બંને ભાઈ નીચે બેસીને વાતચીત કરતા હતા તે વખતે બિલ્ડીંગમાં રહેતો આકાશ રવિભાઈ બૈસાણે બહારથી ચાલતો આવ્યો હતો. આવીને દિપુ સાથે મજાક મસ્તી કરી ગાળો બોલતો હતો. જેથી દિપુએ ગાળો કેમ બોલે છે કહેતા આકાશે ઉશ્કેરાઈ જઈ દિપુ સાથે ઝપાઝપી કરી હતી. કનૈયા અને દિપુની પત્ની તથા ભાભી પણ દોડી આવી હતી. અને તેમને દિપુને છોડાવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન આકાશે ચપ્પુ કાઢી દિપુને પેટમાં ઘા મારી દીધા હતા. દિપુ નીચે ઢળી પડતા આકાશ ત્યાંથી ભાગી છુટ્યો હતો. દિપુને 108 માં નવી સિવિલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં દિપુ પરાઠાની લારી ચલાવતા હતો. અને તેને એક 6 મહિનાની બાળકી છે.
હત્યા મિત્રને ઇજા થતા તેની પણ ફરિયાદ લેવાઈ છે
એસીપી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે વેસુ એસએમસી આવાસમાં દીપુ રાઠોડ અને તેનો ભાઈ બેઠા હતા. આ દરમ્યાન આકાશ બેસાણે નામનો ઇસમ ત્યાં આવ્યો હતો. બંન્ને વચ્ચે હસી મજાક ચાલતી હતી. આ દરમ્યાન ઝઘડો થતા આકાશે દીપુ પર હુમલો કર્યો હતો. જેથી દીપુને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે. બીજી તરફ આકાશને પણ ઈજા થઇ છે. તેની પણ ફરિયાદ લેવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.