Business

7,488 કરોડના ફર્રુખાબાદ લિંક એક્સપ્રેસવેને લીલી ઝંડી, દિલ્હી-NCR સુધી મુસાફરી બનશે સરળ

ઉત્તર પ્રદેશમાં હાઇ-સ્પીડ રોડ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે ફર્રુખાબાદ લિંક એક્સપ્રેસવે પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટે 91 કિલોમીટર લાંબા આ ગ્રીનફિલ્ડ અને સંપૂર્ણ એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવેને મંજૂરી આપતા રાજ્યના બે સૌથી મોટા એક્સપ્રેસવે કોરિડોરને જોડવાનો માર્ગ મોકળો કર્યો છે. આશરે 7,488.74 કરોડના ખર્ચે બનનારો આ પ્રોજેક્ટ EPC મોડલ હેઠળ તૈયાર થશે અને ટેન્ડર ફાળવણી બાદ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ એક્સપ્રેસવે શરૂઆતમાં છ લેનનો રહેશે, પરંતુ ભવિષ્યમાં ટ્રાફિક વધે તો તેને આઠ લેન સુધી વિસ્તારી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. નવા જમીન સંપાદન દ્વારા બનાવાનાર આ માર્ગ ઉત્તર પ્રદેશના છ મહત્વપૂર્ણ જિલ્લાઓને સીધી હાઇ-સ્પીડ કનેક્ટિવિટી આપશે. તેમાં ઇટાવા, મૈનપુરી, કન્નૌજ, ફર્રુખાબાદ, શાહજહાંપુર અને હરદોઈ જિલ્લાનો સમાવેશ થાય છે.

ફર્રુખાબાદ લિંક એક્સપ્રેસવે ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક આગ્રા-લખનૌ એક્સપ્રેસવેથી શરૂ થશે અને હરદોઈ જિલ્લાના સવૈજપુર વિસ્તાર નજીક ગંગા એક્સપ્રેસવે સાથે જોડાશે. આ ઉપરાંત તે બુંદેલખંડ એક્સપ્રેસવે સાથે પણ કનેક્ટિવિટી આપશે. પરિણામે બુંદેલખંડ વિસ્તારથી લઈને દિલ્હી-NCR, આગ્રા, લખનૌ, નોઇડા, પ્રયાગરાજ, ઉત્તરાખંડ અને નેપાળ સરહદ સુધીની મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે. આ પ્રોજેક્ટથી હરદોઈ, કન્નૌજ, ફર્રુખાબાદ ઉપરાંત કાસગંજ, બદાયૂં અને શાહજહાંપુર જેવા આસપાસના જિલ્લાઓને પણ સીધો લાભ મળશે. ખાસ કરીને ફર્રુખાબાદના બટાકા ઉત્પાદક ખેડૂતો માટે આ એક્સપ્રેસવે મહત્વપૂર્ણ સાબિત થશે. કૃષિ પેદાશો દેશના વિવિધ બજારોમાં ઝડપથી પહોંચાડી શકાશે, જેના કારણે પરિવહન ખર્ચ ઘટશે અને ખેડૂતોને વધુ સારા ભાવ મળવાની સંભાવના રહેશે.

એક્સપ્રેસવેની આસપાસ ઔદ્યોગિક કોરિડોર, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવવાની પણ યોજના છે. તેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે. ફર્રુખાબાદના ઝરી-ઝરદોઝી અને ટેક્સટાઇલ પ્રિન્ટિંગ જેવા કુટીર ઉદ્યોગોને પણ દિલ્હી-NCR સહિતના મોટા બજારો સુધી સરળ પહોંચ મળશે. સંપૂર્ણ એક્સેસ-કંટ્રોલ્ડ માર્ગ હોવાથી વાહનોને વચ્ચે લાલબત્તી કે અન્ય અવરોધોનો સામનો કરવો નહીં પડે. પરિણામે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે તેમજ ઇંધણની પણ બચત થશે.

ઉત્તર પ્રદેશમાં હાલમાં અનેક લિંક એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં જેવર લિંક એક્સપ્રેસવે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટને ગંગા એક્સપ્રેસવે સાથે જોડશે, જ્યારે ઝાંસી લિંક એક્સપ્રેસવે બુંદેલખંડ એક્સપ્રેસવેને ડિફેન્સ કોરિડોર સાથે જોડશે. પૂર્વાંચલ લિંક એક્સપ્રેસવે આગ્રા-લખનૌ અને પૂર્વાંચલ એક્સપ્રેસવે વચ્ચે સીધી કનેક્ટિવિટી આપશે. આ ઉપરાંત ગોરખપુર લિંક એક્સપ્રેસવેનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ચિત્રકૂટ લિંક એક્સપ્રેસવે અને બલિયા લિંક એક્સપ્રેસવે પર પણ કામગીરી ચાલી રહી છે. સાથે જ મેરઠ-હરિદ્વાર લિંક એક્સપ્રેસવે અને વિંધ્ય-પૂર્વાંચલ લિંક એક્સપ્રેસવે માટે DPR અને સર્વેક્ષણનું કામ પણ પ્રગતિ પર છે.

Most Popular

To Top