આ નિયમો પાળીને ૬ મહિના પહેલાં પણ સ્કૂલો ચાલુ કરાવી શકાઇ હોત

ભારતની સરકાર માટે શિક્ષણનું કેટલું મહત્ત્વ છે તે કોરોનાની કટોકટી દરમિયાન પુરવાર થઈ ગયું છે. માર્ચના અંતમાં સરકાર દ્વારા જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે શાકભાજી, કરિયાણું અને દૂધની ડેરી સિવાયની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી, પણ બેન્કો, હોસ્પિટલો અને શેર બજાર ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. બેન્કો અને હોસ્પિટલો તો જાણે સમજ્યા; પણ શેર બજાર બંધ રાખવામાં ક્યું આભ તૂટી પડવાનું હતું? તો પણ શેર બજારમાં કડાકો બોલતા કેટલાક લોકો કેટલાક શેરો સસ્તામાં ખરીદી શકે તે માટે શેરબજાર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. દરમિયાન તમામ ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી હતી. કેટલાક ધર્મગુરુઓ દ્વારા ઓનલાઇન પ્રવચનો ચાલુ કરવામાં આવ્યાં હતાં તો લગભગ દરેક સ્કૂલો દ્વારા ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. સરકારે સાબિત કરી આપ્યું હતું કે તેના માટે શેર બજાર અને બેન્કો કરતાં ભગવાનનાં મંદિરો અને વિદ્યાલયોનું મહત્ત્વ તદ્દન ગૌણ છે.

બે મહિનાના સખત લોકડાઉન પછી ધીમે ધીમે સરકારે એક પછી એક તમામ સંસ્થાઓને અનલોક કરવા માંડી હતી. પહેલાં શ્રમિક સ્પેશિયલ અને પછી વિશેષ ટ્રેનો ચાલુ થઈ ગઈ હતી. વંદે ભારત ફ્લાઇટો પણ ચાલુ થઈ ગઈ હતી. તેમાં કોઈને કોરોનાનો ડર નહોતો. ટ્રેનોમાં અને ફ્લાઇટોમાં કોરોનાની ચિંતા કર્યા વિના વચ્ચેની બેઠકો પણ ભરી દેવામાં આવી હતી. તેમાં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર માનવામાં આવી નહોતી. તેમ છતાં સ્કૂલો અને કોલેજોને  ચાલુ કરવાની રજા આપવામાં આવી નહોતી. થોડા સમય પછી તમામ દુકાનો ખૂલી ગઈ હતી. મોલ અને જિમખાનાં પણ નિયમો સહિત ખૂલી ગયાં હતાં; પણ સરકારને સ્કૂલો ખોલવાની ઉતાવળ નહોતી. દેશનાં કરોડો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડે તેની સાથે સરકારને જાણે કોઈ નિસબત જ નહોતી.  વાલીઓમાં પણ ડરનો માહોલ પેદા થયો હોવાથી સરકાર સ્કૂલો ઉઘાડવાનું વિચારતી નહોતી.

હવે લગભગ દેશભરમાં મંદિરો ખૂલી ગયાં છે, દારૂનાં પીઠાંઓ ખૂલી ગયાં છે, હોટેલો અને જિમખાનાંઓ ખૂલી ગયાં છે, ત્યારે પણ સરકારને સ્કૂલો અને કોલેજો ખોલવાની કોઈ ઉતાવળ હોય તેવું જણાતું નથી. સરકારને જેટલાં ક્ષેત્રોમાંથી આવક થતી હતી તેને ખોલવામાં અગ્રિમતા આપવામાં આવી છે, પણ શૈક્ષણિક સંસ્થામાંથી કોઈ કમાણી ન થતી હોવાથી તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્રના ગૃહ ખાતાં દ્વારા જે અનલોકની ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે, તેમાં પણ તા. ૩૦ સપ્ટેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાની વાત કરવામાં આવી છે, પણ તેમાં કેટલીક છૂટછાટો પણ આપવામાં આવી છે. દરમિયાન ભારતનાં દરેક રાજ્યોમાં જેઈઈ-નીટ પ્રકારની પરીક્ષાઓ યોજાઈ ગઈ, ડીગ્રીની પરીક્ષા યોજાઈ ગઈ, તેમાં કોરોનાનો કોઈ ભય નહોતો. પરંતુ સરકારને સ્કૂલો અને કોલેજો શરૂ કરવામાં કોઈ અજ્ઞાત ભય સતાવી રહ્યો જણાય છે.

કહેવાય છે કે આજનાં વાલીઓ જ કોરોનાના ડરથી પોતાનાં સંતાનોને સ્કૂલોમાં મોકલવા તૈયાર નથી; માટે સ્કૂલોને ખોલવામાં ઢીલ થઈ રહી છે. આ વાત આંશિક રીતે સાચી છે તેમ સરકારને સ્કૂલો ખોલવામાં કોઈ રસ નથી તે વાત પણ સાચી છે. કેટલાંક લોકો માનતાં હતાં કે જ્યાં સુધી બજારમાં કોરોનાની રસી નહીં આવે ત્યાં સુધી સરકાર સ્કૂલો ખોલવા તૈયાર નહીં થાય. કદાચ બધાં બાળકોને ફરજિયાત રસી લીધા પછી જ સ્કૂલમાં પ્રવેશ આપવો તેવી સરકારની યોજના હોઈ શકે છે. એક તબક્કે તો ભારત સરકાર દ્વારા તા. ૧૫ ઓગસ્ટ સુધીમાં કોરોનાની સ્વદેશી રસી બજારમાં લાવવાની તૈયારી થઈ ચૂકી હતી; પણ તેનો વિરોધ થતાં તારીખ લંબાઈ ગઈ હતી. હવે લાગે છે કે આવતા વર્ષના માર્ચ મહિના સુધી કોરોનાની રસી બજારમાં આવે તેવી સંભાવના નથી.

સરકારને મોડે મોડે ખ્યાલ આવ્યો લાગે છે કે રસીની રાહ જોઈને અનિશ્ચિત મુદ્દત સુધી શિક્ષણ સંસ્થાઓ બંધ રાખી શકાય નહીં. માટે તા. ૨૧ મી સપ્ટેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ માં કેટલીક શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરાવવા સરકાર તૈયાર થઈ છે. અહીં સવાલ એટલો જ થાય છે કે જો સ્કૂલો શરૂ કરવી જ હોય તો તેના માટે ૨૧ સપ્ટેમ્બર સુધી રાહ જોવામાં ક્યો તર્ક છે? શું ૨૧ સપ્ટેમ્બરે કોરોના દુનિયામાંથી વિદાય લેવાનો છે? વળી ૯ થી ૧૨ ધોરણના વર્ગો શરૂ કરવા પાછળ પણ ક્યો તર્ક છે? શું કોરોના ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કોઈ કૂણી લાગણી ધરાવે છે? જો ૯ થી ૧૨ ધોરણના વર્ગો શરૂ કરી શકાતા હોય તો ૧ થી ૮ ધોરણના વર્ગો શરૂ કરવામાં કેમ કોરોના નડે છે? શું કોરોના વાયરસ નર્સરીથી લઈને ૮ મા ધોરણ સુધીનાં બાળકો પર જ ત્રાટકવાનો સ્વભાવ ધરાવે છે?

આપણી સ્કૂલોના સંચાલકો સરકારના એટલા ગુલામ બની ગયા છે કે તેઓ સરકારને કોઈ પણ સવાલો પૂછવાથી દૂર રહે છે. તા. ૨૧ સપ્ટેમ્બરથી કેટલીક સ્કૂલોમાં મર્યાદિત પ્રમાણમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે જે ગાઇડલાઈન બહાર પાડવામાં આવી છે તે પણ સંદિગ્ધ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલો ૫૦ ટકા શિક્ષકોને ગાઇડન્સ આપવા માટે બોલાવી શકે છે. હવે જે સ્કૂલોમાં ૧ થી ૮ ધોરણના વર્ગો બંધ હોય તેમાં જો માત્ર ૯ થી ૧૨ ધોરણના શિક્ષકો હાજર રહે તો તે કુલ શિક્ષકોના કેટલા ટકા થાય? તો પછી ૫૦ ટકાનો નિયમ શા માટે રાખવામાં આવ્યો છે?

વળી ૨૧ સપ્ટેમ્બરથી સ્કૂલો ૯ થી ૧૨ ધોરણના વર્ગો નિયમિત ચાલુ કરી શકે કે કેમ? તે બાબતમાં પણ અસમંજસ પ્રવર્તે છે. સરકારની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા તેમના વાલીની સંમતિપૂર્વક સ્કૂલે આવી શકે છે. તેનો શું અર્થ કરવો? શું વિદ્યાર્થીઓ અત્યાર સુધી વાલીઓની સંમતિ વગર સ્કૂલે આવતા હતા? વળી માર્ગદર્શન મેળવવા આવી શકે તેનો મતલબ શું કરવો? સ્કૂલે નિયમિત વર્ગો ચાલુ કરવા કે નહીં? માર્ગદર્શન આપવું અને ભણાવવું તેમાં કોઈ ફરક ખરો?

સંચાલકો નક્કી કરી શકતા નથી. વળી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ બે વિદ્યાર્થીઓ વચ્ચે ૬ ફીટનું અંતર રાખવું જરૂરી છે. જો વિમાનમાં, ટ્રેનમાં, બસમાં કે રિક્ષામાં ૬ ફીટનું અંતર રાખવું જરૂરી નથી મનાતું તો સ્કૂલમાં તેનો આગ્રહ કેમ રાખવામાં આવે છે? શું સ્કૂલના વિદ્યાર્થીને ૬ ફીટનું અંતર રાખવા માટે તૈયાર કરી શકાય? બીજો મુદ્દો માસ્કનો છે. શું માસ્ક પહેરીને વિદ્યાર્થીઓ વર્ગમાં ભણી શકશે ખરા? શું શિક્ષકો પણ માસ્ક પહેરીને ભણાવી શકશે ખરા? શું સરકારની ગાઇડલાઇનનો અમલ કરવો શક્ય છે ખરો? સરકારની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થી સ્કૂલમાં હોય તે દરમિયાન તેણે વારંવાર આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરથી હાથ ધોવાનું રાખવું પડશે.

વળી વર્ગોને પણ નિયમિત રીતે કેમિકલ વડે સેનિટાઇઝ કરતાં રહેવું પડશે. શું સરકારી સ્કૂલો માટે આ સંભવિત છે? જો કોઈ ખાનગી શાળાના સંચાલકો આ ગાઇડલાઇનનું પાલન નહીં કરી શકે તો તેમને જેલમાં નાખવામાં આવશે? જો ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો ચાલુ કરી શકાય તો બાકીના વર્ગો ક્યારે ચાલુ થશે? જો કોઈ તબક્કે તમામ વર્ગો શરતો સાથે ચાલુ કરવા સરકાર તૈયાર થઈ જાય તો સરકારને સવાલ કરવો જોઈએ કે ૬ મહિના પહેલાં પણ આ શરતો સાથે વર્ગો ચાલુ કરવામાં શું વાંધો હતો? ૬ મહિના માટે શિક્ષણકાર્યમાં વિક્ષેપ પડ્યો અને શિક્ષકો પગાર ઘટાડાને કારણે સ્ટ્રેસમાં આવી ગયા તે માટે જવાબદાર કોણ?

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts