Vadodara

50 કરોડનો સફાઈ વેરો ફગાવાયો, હવે પહેલા સફાઈનું પરિણામ દેખડાશે

1000 થી 1200 ઘરો માટે એક જ ગાર્બેજ કલેક્શન વાહન ઉપલબ્

મ્યુ. કમિશનર દિલીપ રાણાએ ડ્રાફ્ટ બજેટમાં 50 કરોડના સફાઈ વેરાની દરખાસ્ત મૂકી હતી

વડોદરા મહાનગર પાલિકાની સોમવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવાયેલા 50 કરોડના સફાઈ વેરાને ફગાવી દેવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “શહેરમાં પહેલા અમે સફાઈનું પરિણામ બતાવીશું, એ પછી જ નવા વેરા વિશે વિચારવામાં આવશે.” આ નિર્ણય વડોદરા વાસીઓ માટે રાહતરૂપ સાબિત થયો છે, પરંતુ સાથે સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે કે, શહેરની સફાઈ વ્યવસ્થામાં સુધારો કેવી રીતે લાવવામાં આવશે?

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતી વખતે 50 કરોડના સફાઈ વેરાની દરખાસ્ત મૂકી હતી. તેમનું માનવું હતું કે, જો વેરો લાગુ કરવામાં આવે તો ગાર્બેજ કલેક્શન માટે વધુ વાહનો ખરીદીને વ્યવસ્થા સુધારી શકાય. કમિશનરના મતે, હાલ 1000 થી 1200 ઘરો માટે એક જ ગાર્બેજ કલેક્શન વાહન ઉપલબ્ધ છે, જ્યારે આ સંખ્યાને બે થી ત્રણ ગણો વધારવા માટે નવો વેરો જરૂરી હતો.

હાલમાં, વડોદરા શહેરમાંથી દરરોજ આશરે 1200 ટન કચરો એકઠો થાય છે. આ કચરાને ઉઠાવવા માટે પાલિકાના ડોર ટુ ડોર અને ઓપન સ્પોટ પરના કુલ 444 વાહનો કાર્યરત છે. વિવિધ ઝોન પ્રમાણે આ વાહનોની સંખ્યા નીચે મુજબ છે:

ઉત્તર ઝોન: 100 વાહનો

પૂર્વ ઝોન: 100 વાહનો

પશ્ચિમ ઝોન: 153 વાહનો

દક્ષિણ ઝોન: 91 વાહનો

આવકની તંગી અને વધતા શહેરને ધ્યાનમાં રાખીને, હાલની વ્યવસ્થા વધુ પ્રભાવી બનાવી શકાય તેવો પ્રયાસ પાલિકા કરી રહી છે. પરંતુ, જો આ વાહનોની સંખ્યા પૂરતી ન બને તો સફાઈ વ્યવસ્થામાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઇન્દોરમાં સફાઈ વ્યવસ્થાના પાઠ શીખવા ગયા હતા. ઇન્દોર એ ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં એક છે. ઇન્દોરમાં દરરોજ આશરે 1554 ટન કચરો એકઠો થાય છે, જે માટે 850 જેટલા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. વડોદરા જો ઇન્દોરની જેમ પોતાની સફાઈ વ્યવસ્થાને સુધારવા માટે પ્રયાસ કરે, તો શહેર વધુ સ્વચ્છ બની શકે છે.

વડોદરાવાસીઓ માટે સુવિધાઓમાં સુધારો લાવ્યા વગર વેરો લાદવો યોગ્ય નથી, જેની સમિતિએ સમજદારી પૂર્વક કાળજી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે, વડોદરા મહાનગર પાલિકા પોતાના વચન પ્રમાણે શહેરમાં સફાઈનું પરિણામ કેવી રીતે લાવે છે. શું ઇન્દોરના પાઠ વડોદરામાં અમલમાં આવશે ? કે પછી નવો વેરો ફરીથી ચર્ચામાં આવશે ?

Most Popular

To Top