સુરત: (Surat) કોરોનાની (Corona) બીજી લહેરમાં હોસ્પિટલમાં (Hospital) બેડ ખૂટી પડ્યા હતા. ત્યારે ઘણી હોસ્પિટલોએ દર્દીઓની (Patient) ગરજનો લાભ ઉઠાવી સરકારે નક્કી કરેલા સારવાર ચાર્જને બદલે આડેધડ ચાર્જ વસૂલી દર્દીઓને ખંખેરી લીધા હતા. આ મુદ્દે વડોદરા મનપાએ કમિટી બનાવી આવા દર્દીઓને 50 લાખથી લધુ રકમ પરત કરાવી હતી. આ વાતને ધ્યાને લઇ સુરત મનપામાં (SMC) સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટે રજૂઆત કરી હતી, તેથી સુરત મનપાએ પણ આવી કમિટી (Committee) બનાવી હતી. જેમાં વ્રજેશ ઉનડકટ, મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પ્રદીપ ઉમરીગર સહિત સ્મીમેર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓ સહિત કુલ છ સભ્યોની કમિટી બની હતી. આ કમિટી સમક્ષ કુલ 52 ફરિયાદ આવી હતી. જેના પર તપાસ કરાયા બાદ શુક્રવારે કમિટીની મીટિંગ મળી હોવાથી 10 દર્દી પાસેથી 7.19 લાખ જેટલી વધારાની રકમ વસૂલનાર 5 હોસ્પિટલને નોટિસ પાઠવી આ રકમ પરત કરવા કોરોનાની સારવારનો ખર્ચ રિવ્યુ કમિટી દ્વારા નક્કી કરાયો છે.
કમિટીના સભ્ય વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, જે 52 ફરિયાદો મળી હતી તે પૈકી 2 ફરિયાદ તો કમિટીની રચના થતાં જ જે-તે હોસ્પિટલે દર્દીને સામેથી બોલાવી સમાધાન કરી અમુક રકમ પરત આપી દીધી હતી. બાકી વધેલી 50 ફરિયાદ પૈકી 10 ફરિયાદમાં તથ્ય જણાયું છે. તેથી આ 10 દર્દીએ જ્યાં સારવાર લીધી તે સેન્ટ્રલ, રાંદેર અને અઠવા ઝોનની પાંચ હોસ્પિટલને આ દર્દીઓ પાસેથી વધારાના વસૂલેલા 7.19 લાખ રૂપિયા પરત કરવા બાબતે તાકીદ કરાશે. જ્યારે અન્ય 5 ફરિયાદ એવી છે જેમાં વિગતો અધૂરી હોવાથી આ 5 દર્દીને 27મી ડિસેમ્બર સુધીમાં પૂર્તતા કરવા સૂચના અપાઇ છે. જ્યારે બે ફરિયાદ મેડિક્લેઇમ બાબતે હતી, તેને સારવાર ખર્ચ કરતાં ઓછો મેડિક્લેઇમ મળ્યો હોવાથી કમિટીએ ગ્રાહક સુરક્ષામાં જવા અથવા રિ-ક્લેઇમ કરવાનો માર્ગ બતાવ્યો છે. અન્ય ફરિયાદો એવી છે જે કમિટીમાં પરિધમાં આવતી નથી.
કમિટીના નિર્ણયનો અમલ નહીં કરનાર હોસ્પિટલોનાં નામ જાહેર કરી કાર્યવાહી કરાશે
કમિટીના સભ્ય વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, હાલમાં અમે વધુ ચાર્જ લેનાર હોસ્પિટલનાં નામો જાહેર કરતાં નથી. પરંતુ જો કમિટીએ નક્કી કરેલા નિર્ણયનો અમલ કરી આ હોસ્પિટલો દર્દીને તેના અધિકારનાં નાણાં પરત નહીં કરે તો તેનાં નામ પણ જાહેર કરાશે અને મનપા દ્વારા તેની સામે નિયમ મુજબ કાર્યવાહી પણ કરાશે.