ભરૂચ: ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે. જેને કારણે નર્મદા ડેમના 10 ગેટ ખોલવાની ફરજ પડી છે. જેમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. જેમાં નર્મદા, ભરૂચ સહિત વડોદરા જિલ્લાનાં 42 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે.
- સરદાર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા, ભરૂચ સહિત વડોદરા જિલ્લાનાં 42 ગામ એલર્ટ
- નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ
નર્મદા ડેમમાં પાણીની આવકની સામે જાવક ઓછી કરી દેવામાં આવતાં ડેમ ઝડપથી ભરાવા લાગ્યો હતો. જેના કારણે ડેમના 10 દરવાજા 1.45 મીટરની સપાટીથી ખોલી એક લાખ ક્યુસેક અને રિવર બેડ પાવર હાઉસનાં ટર્બાઈનમાંથી 45 હજાર મળી કુલ 1.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમમાં 1.09 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે જાવક 1.45 લાખ ક્યુસેકથી વધારે હતી. નર્મદાની મુખ્ય કેનાલમાં પણ 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને ગુરુવારે રાત્રે 7 કલાકે ડેમની સપાટી 135.72 મીટર પર પહોંચી છે. હજી ડેમ 3 મીટર જેટલો ખાલી છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પર 14.23 ફૂટની સપાટી છે. નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય એ માટે જરૂરી પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી છે.