Vadodara

28 બેઠકો માટે કુલ 101 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા

કરજણ નગર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ : 26 બળવાખોર ભાજપ કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 85 ઉમેદવારો વચ્ચે જંગ નક્કી

વડોદરા જિલ્લાના કરજણ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ટિકિટ ન મળતાં આમ આદમી પાર્ટી અને અપક્ષ તરીકે 26 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊતરતા, જિલ્લા ભાજપા પ્રમુખે તેઓને ફોર્મ પરત ખેંચવાની ચિમકી આપી હતી. જોકે, એક પણ બળવાખોર ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતાં હવે 28 બેઠકો માટે ત્રિપાખીયો જંગ થશે. ભાજપના આ કાર્યકરોની બળવાખોરીને ગંભીરતા પૂર્વક લેતા, જિલ્લા ભાજપ પ્રમુખે તમામ 26 સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણયો લીધો, જેનાથી રાજકીય ગરમાવો છવાયો છે.

કરજણ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 101 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન 17 ફોર્મ રદ થતા 89 ઉમેદવારી પત્ર માન્ય રહ્યા. જો કે, આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હવે 85 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. હવે 28 બેઠકો માટે 85 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થવાની સંભાવના છે.

ભાજપ દ્વારા કેટલાક કાર્યકરોને ટિકિટ ન આપતા, અસંતોષ ફાટી નીકળ્યો હતો. કેટલાક આપમાં જોડાયા, તો કેટલાક અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. પરિણામે, જિલ્લા ભાજપ પ્રમુખે 26 કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. આ નિર્ણયથી ભાજપની આંતરિક રાજનીતિમાં પણ ઉથલપાથલ મચી છે.

કરજણ નગરપાલિકા ઉપરાંત સાવલી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી યોજાવાની છે. સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 ની ખાલી પડેલ બેઠક માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે. વડોદરા તાલુકા પંચાયતમાં દશરથ, કોયલી અને નંદેસરી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, જેમાં દશરથ બેઠક ભાજપ માટે બિનહરીફ થઈ છે. શિનોર તાલુકા પંચાયતમાં સાધલી-2 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે.

કરજણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 16 ફેબ્રુઆરી 2025, રવિવારે સવારે 7:00 થી સાંજે 6:00 સુધી યોજાશે.

પક્ષ વિરુદ્ધ બળવો અને શિસ્ત ભંગ કરવા બદલ જિલ્લા ભાજપે 26 નેતાઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આમાં નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખો, કોર્પોરેટરો અને અન્ય હોદ્દેદારોનો સમાવેશ થાય છે.

સસ્પેન્ડ થયેલા મુખ્ય નેતાઓ:

મનુભાઈ વસાવા

વનરાજસિંહ રાઉલજી

દીપમાલા કુમારી રાણા

દિગ્વિજયસિંહ અટોડારીયા

યુવરાજસિંહ રાઉલજી

મીનાબેન ચાવડા

વીરેન્દ્રસિંહ સોલંકી

મહંમદભાઈ સંધી

ભરતસિંહ અટાલિયા

પ્રિયંકાબેન માછી

વડોદરા તાલુકા પંચાયતની દશરથ બેઠક ભાજપે બિનહરીફ કબજે કરી

વડોદરા જિલ્લામાં પેટા ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયતની પાંચ બેઠકો અને કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખે, વડોદરા તાલુકા પંચાયતની દશરથ બેઠક ભાજપ માટે બિનહરીફ બની ગઈ છે.

દશરથ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો હતો. કોંગ્રેસના ઉમેદવાર વશરામ રબારીએ આજે અંતિમ દિવસે ફોર્મ પાછું ખેંચી લેતા, ભાજપના સુનિલ પ્રજાપતિ હવે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

વડોદરા જિલ્લામાં યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીમાં પાંચ તાલુકા પંચાયત બેઠકો અને કરજણ નગરપાલિકા માટે મતદાન થવાનું છે. રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ દશરથ બેઠક પર ભાજપે કોઈ જ મહેનત વિના જીત હાંસલ કરી છે.

Most Popular

To Top