૨૦૨૦ રાક્ષસી કંપનીઓ દ્વારા કિસાનોને લૂંટવાની છૂટ આપતા ત્રણ ખરડાઓ

લોકડાઉનના નામે દાડિયા મજૂરો અને નાના વેપારીઓને બરબાદ કર્યા પછી ભાજપની મુખ્યતાવાળી સરકાર હવે ત્રણ ખતરનાક સૂચિત કાયદાઓ દ્વારા દેશના કરોડો કિસાનોને બરબાદ કરવાની યોજના તૈયાર કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં મંગળવારે એક અને ગુરુવારે બે ખરડાઓ પસાર કરવામાં આવ્યા છે. જો આ ખરડાઓ કાયદા બની જશે તો મલ્ટિબ્રાન્ડ રિટેલનો ધંધો કરતી જાયન્ટ કંપનીઓને કિસાનોનું શોષણ કરવાનું લાઇસન્સ મળી જશે.

૨૦૨૦ રાક્ષસી કંપનીઓ દ્વારા કિસાનોને લૂંટવાની છૂટ આપતા ત્રણ ખરડાઓ

આ સૂચિત કાયદાઓ એટલા ભયાનક હશે કે તેને કારણે કિસાનોના આપઘાત વધી જશે. તેનો પુરાવો એ છે કે સરકારમાં ભાજપના સાથીદાર શિરોમણિ અકાલી દળનાં હરસિમરત કોર બાદલે તેના વિરોધમાં પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. પંજાબના કોંગ્રેસી મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પર કિસાનોની પીઠમાં ખંજર ભોંકવાનો આક્ષેપ થઈ રહ્યો છે. લોકસભામાં આ ખરડાઓ પાસ થયા તેના વિરોધમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો વોકઆઉટ કરી ગયા હતા; પણ હવે બહાર આવ્યું છે કે કિસાનોની કબર ખોદનારા આ ખરડાઓ ઘડવામાં કેપ્ટન અમરિંદર સિંહે સક્રિય ભૂમિકા ભજવી હતી.

વર્તમાનમાં આખો દેશ જ્યારે સુશાંતસિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી અને કંગના રનૌતનું શું થશે? તેની ચિંતામાં મગ્ન છે ત્યારે કેન્દ્ર સરકારે લાગ જોઈને સોગઠી મારતા હોય તેમ કિસાનોને લઘુતમ ટેકારૂપ મૂલ્ય આપતો કાયદો બદલતો ખરડો પસાર કરી દીધો છે. અત્યારના કાયદા મુજબ જો વેપારીઓ કાર્ટેલ બનાવીને કિસાનોનો માલ સસ્તામાં પડાવી લેવાની કોશિષ કરે તો સરકાર તેમને ટેકાનો ભાવ આપીને તેમના અનાજ, કઠોળ, શાકભાજી વગેરે ખરીદી લેતી હતી. હવે જો તે કાયદામાં સુધારો કરતો ખરડો કાયદો બની જશે તો કિસાનોને સરકાર દ્વારા ભાવોમાં ટેકો નહીં મળે. જે ટેકારૂપ ભાવો ચાલુ રાખવામાં આવશે તે છેતરામણા હશે, કારણ કે તે બજાર સાથે જોડાયેલા હશે. બિગ બાઝાર અને રિલાયન્સ જેવી કંપનીઓ હવે કિસાનોનો માલ સસ્તામાં પડાવી લેશે.

૨૦૨૦ રાક્ષસી કંપનીઓ દ્વારા કિસાનોને લૂંટવાની છૂટ આપતા ત્રણ ખરડાઓ

કેન્દ્ર સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કૃષિ ક્ષેત્રને લગતા ત્રણ ખરડાઓ ગેમચેન્જર હશે; પણ આ ગેમ કોની તરફેણમાં બદલાઈ જશે, તેનો ફોડ પાડવામાં આવ્યો નથી. વર્તમાન કાયદા મુજબ કોઈ પણ કિસાન પોતાની પેદાશ એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટિ (સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી મંડી) માં જ વેચી શકે છે. આ મંડી પર રાજ્ય સરકારના અધિકારીઓ દેખરેખ રાખતા હોય છે કે માલદાર વેપારીઓ અભણ અને ગરીબ કિસાનોના ભોળપણનો અથવા તેમની લાચારીનો લાભ લઈને તેમનો માલ સસ્તામાં પડાવી ન લે. સરકાર હવે આ કાયદામાં ફેરફાર કરીને કિસાનને તેનો માલ મંડીની બહાર વેચવાની છૂટ આપવા માગે છે.

૨૦૨૦ રાક્ષસી કંપનીઓ દ્વારા કિસાનોને લૂંટવાની છૂટ આપતા ત્રણ ખરડાઓ

જો કિસાનો તેનો માલ મંડીની બહાર પણ વેચી શકતા હશે તો રિટેલનો ધંધો કરતી જાયન્ટ કંપનીઓના દલાલો  કિસાનોનો માલ ખરીદવા સીધા તેમનાં ખેતરોમાં પહોંચી જશે. શરૂઆતમાં તેઓ કિસાનોને બજારભાવ કરતાં પણ વધુ કિંમત ચૂકવશે. વળી તેઓ ખેતરમાં માલ તૈયાર થાય તે પહેલાં જ માલ ખરીદી લેશે. અનાજ-કઠોળ અને શાકભાજીનો વેપાર કરતા નાના દુકાનદારો અને વેપારીઓ આ રાક્ષસી કંપનીઓ સાથે સ્પર્ધા નહીં કરી શકે ત્યારે તેઓ ફેંકાઈ જશે. નાના વેપારીઓને સ્પર્ધામાંથી આઉટ કર્યા પછી જાયન્ટ કંપનીઓ કિસાનોનું શોષણ ચાલુ કરશે. કિસાનો સમક્ષ આ જાયન્ટ કંપનીઓને માલ વેચવા સિવાય કોઈ વિકલ્પ જ બચ્યો નહીં હોય. જાયન્ટ કંપનીઓ કિસાનોની મજબૂરીનો લાભ લઈને તેમનો બધો માલ પાણીના મૂલે પડાવી લેશે. 

રિટેલનો ધંધો કરતી ડી-માર્ટ, બિગ બાઝાર, રિલાયન્સ અને વોલમાર્ટ જેવી કંપનીઓના લાભાર્થે જ કાયદાઓમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારોને કારણે કિસાનો, નાના વેપારીઓ અને વપરાશકારો પણ પાયમાલ થઈ જશે. શરૂઆતમાં આ કંપનીઓ કિસાનોનો માલ મોંઘા ભાવે ખરીદીને ગ્રાહકોને સસ્તામાં વેચશે. કિસાનો વધુ ભાવ મળતો હોવાથી નાના વેપારીને બદલે મોટી કંપનીને પોતાનો માલ વેચશે. ગ્રાહકો સસ્તામાં માલ મળતો હોવાથી નાના વેપારીઓને બદલે મોટી કંપનીઓ પાસેથી માલ ખરીદશે. તેને કારણે નાના વેપારીઓ પાયમાલ થઈ જશે. નાના વેપારીઓ સ્પર્ધામાંથી બાકાત થઈ જશે તે પછી જાયન્ટ કંપનીઓ કિસાનોનો માલ સસ્તામાં પડાવી લેશે. કિસાનો સમક્ષ કોઈ વિકલ્પ જ નહીં હોવાથી તેમણે લાચારીથી પોતાનો માલ જાયન્ટ કંપનીઓને વેચવો પડશે. આ માલ જાયન્ટ કંપનીઓ વપરાશકારોને ઊંચા ભાવે વેચશે. નાના વેપારીઓ ખતમ થઈ ગયા હોવાથી ગ્રાહકોને તેમની પાસેથી જ જરૂરી સામાન ખરીદવો પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિવિષયક કાયદાઓ બદલવા માટે આ વર્ષના પ્રારંભમાં બે વટહુકમો જારી કરવામાં આવ્યા હતા. લોકડાઉનને કારણે સંસદ મળી શકી ન હોવાથી આ વટહુકમો ચાલુ રાખવામાં આવ્યા હતા. હવે સંસદ ચાલુ હોવાથી વટહુકમોનું સ્થાન લેવા માટે ખરડાઓ રજૂ કરવામાં આવ્યા છે. તેને કારણે પંજાબ અને હરિયાણાના કિસાનો એટલા બધા હતાશ થઈ ગયા છે કે તેઓ હજારોની સંખ્યામાં રસ્તાઓ પર આવીને આંદોલન કરી રહ્યા છે. હરિયાણાના બાગપતમાં આંદોલન કરી રહેલા કિસાનો દ્વારા કલેક્ટરની ઓફિસનો ગેટ તોડીને તેમાં ટ્રેક્ટર ઘૂસાડી દેવામાં આવ્યું હતું.

કિસાન આંદોલનને સમર્થન આપવાની બાબતમાં કોંગ્રેસ અને અકાલી દળ ડબલ ગેમ રમી રહ્યા છે. જ્યારે વટહુકમોને કાયદામાં રૂપાંતરિત કરવાની બાબતમાં હાઇ પાવર કમિટિની બેઠકો ચાલી રહી હતી ત્યારે પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ તેમાં હાજર હતા અને તેમણે નવા કાયદામાં સહમતી પણ આપી હતી. હકીકતમાં પંજાબ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટિ કાયદાને ખતમ કરવાની અને આંતરરાજ્ય હેરફેરને છૂટ આપવાની વાત કરવામાં આવી હતી.

હવે જ્યારે પંજાબના કિસાનો આ કાળા કાયદાઓ સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે કેપ્ટન અમરિંદર સિંહ તેમને ટેકો આપવાનો ડોળ કરી રહ્યા છે. તેવી જ રીતે વટહુકમની જગ્યાએ કાયદાઓ લાવવાની વાત હતી ત્યારે અકાલી દળે તમામ બેઠકોમાં તેને ટેકો આપ્યો હતો. હવે સૂચિત કાયદાઓ સામે કિસાનો આંદોલન કરી રહ્યા છે ત્યારે પોતાની મતબેન્ક ઝૂંટવાઈ જવાના ડરથી અકાલી દળનાં હરસિમરત કૌર રાજીનામું આપવાનો ડ્રામા કરી રહ્યાં છે.

વર્તમાનમાં પંજાબ અને હરિયાણામાં કિસાન આંદોલનનું નેતૃત્વ કરનારાઓ પણ આવતી કાલે રાજકીય પક્ષોના હાથા બની જાય તો નવાઈ નથી. કિસાનોએ સમજી લેવું જોઈએ કે તેમના ખરા દુશ્મન રાજકીય પક્ષો કે સરકારો નથી, પણ મલ્ટિબ્રાન્ડ રિટેલનો ધંધો કરતી જાયન્ટ મલ્ટિનેશનલ કંપનીઓ છે. વોલમાર્ટ, એમેઝોન, રિલાયન્સ, ડી માર્ટ, બિગ બાઝાર અને ફેસબુક જેવી કંપનીઓના ઈશારા પર આ કાયદામાં પરિવર્તન કરવામાં આવી રહ્યા છે.

ભારતના તમામ રાજકીય પક્ષો તેમાં સામેલ છે. સરકાર તેમના દલાલની ભૂમિકા ભજવી રહી છે. પ્રજાના પ્રતિનિધિઓ પણ રાજકીય પક્ષોના ગુલામ બની ગયા છે. તેમની પાસે કિસાનો કોઈ અપેક્ષા રાખી શકે તેમ નથી. દેશની અદાલતો પણ કિસાનોને મદદ કરે તેમ નથી. આ લડાઈ તેમણે જાતે લડવાની છે. જો કિસાનો કોઈ આંદોલન કરવા માગતા હોય તો તેમણે જાયન્ટ કંપનીઓ સામે આંદોલન કરવું જોઈએ.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts