2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટા ચૂંટણીમાં કેટલા પ્રભાવી?

2017 વિધાનસભાની ચૂંટણી ગુજરાતનો રાજકીય ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહિ. વર્ષો પછી ગુજરાતમાં એવી સ્થિતિ સર્જાઈ હતી કે ગુજરાતમાં ભાજપ શાસનનાં મૂળિયાં હાલી ગયાં હતાં. અરે, ભાજપના નેતાઓ ખાનગીમાં કહેતા હતા કે આ વખતે જીતી જવાય તો ય ઘણું છે,પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી માટે એવું કહેવાય છે કે હારની બાજી જીતમાં પલટાવે અને 2017 નાં પરિણામોએ સાબિત પણ કર્યું કે જે ચૂંટણી કોંગ્રેસની સરકાર બનાવી રહી હતી એ જ ચૂંટણીએ ભાજપને ફરી સત્તા આપી. આ આખી સ્થિતિ સર્જવામાં જે ત્રણ લોકો પાયામાં હતા તે હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર. આ ત્રણે યુવા નેતાઓએ ભાજપ માટે દિલ્હી હલાવી નાખી હતી,પણ આજે 3 વર્ષને અંતે સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. હવે ન તો ત્રણે યુવાનોએ શરૂ કરેલાં આંદોલનો છે કે ન તો હાર્દિક જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એમની મૂળ સ્થિતિમાં છે. દરેકે પોતાનું ઘર શોધી લીધું છે અને પોતાના ભવિષ્ય પ્રમાણે રાજકારણ કરી રહ્યા છે,ત્યારે પ્રશ્ન એ થાય કે હવે 2020 ની આઠ વિધાનસભા બેઠકોમાં આ ત્રણે યુવાનોનું વર્ચસ્વ અને રાજકીય ભવિષ્ય શું હશે?

2017ના હીરો હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ગુજરાતની પેટા ચૂંટણીમાં કેટલા પ્રભાવી?

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાવાની છે એ આઠ વિધાનસભા બેઠકો પૈકી બે બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.અબડાસા, લીમડી, ગઢડા, ડાંગ, મોરબી, કપરાડા, ધારી અને કરજણની બેઠકો કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે ખાલી પડી હતી. મૂળ મુદ્દાની વાત કરીએ તો દર વખતની જેમ પેટા ચૂંટણીને લક્ષમાં લઈને બંને પક્ષોએ કેટલીક નિમણૂકોની પણ જાહેરાત થઈ છે અને સંગઠનમાં મોટા પાયે ફેરફાર પણ થયા છે.ભાજપના નવા ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલ આ ચૂંટણી અગાઉ 2022 માં થનારી ગુજરાતની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર વિજય મેળવવાનો દાવો કરી ચૂક્યા છે અને કોરોનામાં કાર્યક્રમોને લઈને વિવાદિત પણ બન્યા છે. સામે કૉંગ્રેસે યુવા નેતા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષપદ આપ્યું છે.

2017 માં સત્તાધારી ભાજપ સામે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ, દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણી અને ઓબીસી યુવા નેતા અલ્પેશ ઠાકોરના રૂપમાં ત્રણ મોટા પડકારો હતા. જો કે તેમાંથી હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં છે, હાર્દિક પટેલ કૉંગ્રેસમાં છે તો વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગુજરાત અને દેશમાં વિવિધ આંદોલનમાં આગળની હરોળમાં બોલતા જોવા મળે છે.

હાર્દિક પટેલને હાલમાં જ પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ કૉંગ્રેસે પ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે.કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ તાત્કાલિક અસરથી હાર્દિક પટેલની ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂકને મંજૂરી આપી હતી.પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો અને એક રીતે આ આંદોલનનો તેઓ સતત ચહેરો બનેલા રહ્યા.

વાત કરીએ જિજ્ઞેશ મેવાણીની તો દલિત સમુદાયમાંથી આવતા આ યુવા નેતા રાજ્યના બહુચર્ચિત ઊના પ્રકરણ બાદ વધુ અને સતત ચર્ચામાં આવ્યા અને ભાજપ સરકાર વિરુદ્ધ સતત સક્રિય રહ્યા અને દલિતોના મુદ્દાને લઈને આગળ પડતા રહ્યા.જો કે કૉંગ્રેસમાં તેમના જોડાવાની સતત અટકળો વચ્ચે તેઓ કૉંગ્રેસ સાથે ન જોડાયા અને એસસી માટે અનામત એવી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા.કૉંગ્રેસે પણ રાજકીય ગણિત ગણી તેમની સામે પોતાનો ઉમેદવાર ન ઊભો રાખ્યો અને આડકતરી રીતે જિજ્ઞેશ મેવાણીને પોતાનો ટેકો જાહેર કર્યો.

ઓબીસી સમુદાયના નેતા અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી પહેલાં વિધિવત્ રીતે કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને રાધનપુરની બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી જીત્યા પણ ખરા.અલ્પેશ ઠાકોર 2017 વિધાનસભા ચૂંટણીના બે મહિના પહેલાં જ ઑક્ટોબર 2017 માં ગાંધીનગરમાં તે સમયના કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસને ચૂંટણીમાં 125 બેઠકો જીતાડવાના લક્ષ્ય સાથે કામ કરશે. જો કે પ્રદેશ કૉંગ્રેસ સાથે અલ્પેશ ઠાકોરના મતભેદો સતત સમાચારોમાં રહ્યા. લોકસભાની ચૂંટણી વખતે જુલાઈ 2019 માં તેઓ તે સમયના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા.અલ્પેશ ઠાકોરે એપ્રિલ 2019 માં એટલે કે લોકસભા ચૂંટણીના બરાબર પહેલાં કૉંગ્રેસમાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. લોકસભામાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો કબજે કરી હતી. એ વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નબળા શિક્ષકોની સ્કૂલ છોડીને ગુરુકુળમાં આવ્યો છું.ભાજપ પ્રવેશ પછી એમણે ફરી રાધનપુર બેઠક પરથી જ ભાજપની ટિકિટ પર પેટા ચૂંટણી લડી અને હાર્યા.

હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં આ ત્રણે વિષે વાત કરીએ તો હાર્દિક પટેલની લોકપ્રિયતા 2017 માં પીક પર હતી એટલી હાલ નથી, પણ તેઓ રાજ્યમાં સતત સક્રિય રહ્યા છે, માત્ર હાર્દિકની મહેનતના બળે જીતવાનાં સપનાં જોતી ગુજરાત કૉંગ્રેસ 2017 ની સરખામણીએ હાલ સંગઠનની રીતે ખૂબ નબળી છે.

વાત અલ્પેશની કરીએ તો અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવાથી કોઈ મોટો ફાયદો થયો નથી, એ પોતે જ પોતાની બેઠક હારી ચૂક્યા છે અને એ પણ એવી બેઠક કે જેની પર એમના જ સમુદાયનું વર્ચસ્વ હતું,એ બધી વાત જવા દઈએ તો હાર પછી અલ્પેશનાં નિવેદનો પક્ષમાં એની પાસેની જવાબદારીઓ શું છે એ બધી સ્થિતિ દેખાડે છે કે ભાજપને પણ કદાચ હવે અલ્પેશ પર વિશ્વાસ નથી એટલે પેટા ચૂંટણીમાં અલ્પેશ કે અલ્પેશ ફેક્ટર ક્યાંય હોય એવું દેખાતું નથી.

વાત જિજ્ઞેશ મેવાણીની કરીએ તો એ કેટલાક મુદ્દે આક્રમક દેખાય છે, પણ એમનામાં સાતત્યનો અભાવ પણ દેખાય છે. એ કદાચ દેશના રાજકારણમાં અને ગુજરાતના રાજકારણની વચ્ચે ફરી રહ્યા છે. ગુજરાતમાં મહત્ત્વના મુદ્દે ઘણી વખત તેઓ ગાયબ દેખાયા છે. વળી એમના આંદોલનથી કે દેખાવોથી કે કોઈ મુદ્દે મહત્ત્વના પ્રશ્નો ઊભા કરવાથી ગુજરાતના રાજકારણમાં ક્યાંય પરિવર્તન આવ્યું હોય એવું છેલ્લાં ત્રણ વર્ષમાં ક્યારેય બન્યું નથી. સરવાળે 2020 પછી અલ્પેશની જેમ એમના પ્રભાવ સામે પણ અનેક પ્રશ્નો છે.આખા રાજકીય ચિત્રને જોતાં એક વાત સ્પષ્ટ દેખાય છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખને આ ત્રણેથી કોઈ નુકસાન નહિ થાય. ઉલ્ટું એમને ફાયદો જ થશે કેમકે જે આઠ બેઠકો પર ચૂંટણી થઇ રહી છે એ જે તે વખતે કોંગ્રેસની જ હતી એટલે ભાજપ માટે તો વકરો એટલો નફો જ છે.            -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Related Posts