વડોદરા: વડોદરાની માધ્યમ આવેલ સુરસાગરમાં બિરાજમાન શિવજીની પ્રતિમાને 17.5 કિલો સોનાથી મઢવામાં આવી છે. આ સુવર્ણજડિત પ્રતિમાનું કપડાંનું આવરણ આજરોજ દૂર કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીના દિવસે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. મનમોહક પ્રતિમાના દર્શન કરી આજે વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી હતી.
વડોદરાની માધ્યમ આવેલ સુરસાગરમાં 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમાને સત્યમ શિવમ સુન્દરમ સમિતિ દ્વારા સોનાથી મઢવાની નેમ લેવામાં આવી હતી અને તેમાં અનેક દાતાઓએ ઉદાર હાથે સહાયતા આપી હતી. વર્ષ 1996થી શરુ થયેલ ભગવાન શિવજીની પ્રતિમાનો અધ્યાય આજે સુવર્ણ જડિત આવરણ બાદ પૂર્ણ થયો છે. આજરોજ આ પ્રતિમા ઉપર લગાવાયેલ કાપડનું આવરણ દૂર કરવામાં આવ્યું હતું.
અને લોકો માટે આ પ્રતિમા દર્શન માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રતિમા ઉપર 17.5 કિલો સોનાનું આવરણ ચઢાવવામાં આવ્યું છે. શિવજીની પ્રતિમા ઉપરથી કાપડ દૂર કરાયા બાદ આ પ્રતિમા મનમોહક લાગી રહી છે. શિવજીની પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવાનું કાર્ય 5 ઓગષ્ટ 2020 ના રોજ શરુ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ શિવજી કી સવારીની પણ તડામાર તૈયારી ચાલી રહી છે. શિવજી કી સવારીમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓના હસ્તે સુસરગરના મધ્યબિંદુ પર આવેલ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવશે.
- શું છે આ પ્રતિમાની ખાસિયત
- સુરસાગરની માધ્યમ બિરાજમાન સર્વેશ્વર મહાદેવ 111 ફૂટની પ્રતિમા છે.
- તેના પ્લેટફોર્મ અને સ્તંભોની રચના અષ્ટસિદ્ધિ યંત્ર ઉપર રચવામાં આવ્યા છે.
- સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતીષ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદન શાસ્ત્ર અને રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો છે.
- આ મૂર્તિ ઉપર કાગળ જેવા લેયરના ચાર થી પાંચ પડ ચઢાવવામાં આવ્યા છે.
- આ પ્રતિમાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન આ પ્રતિમા 8 થી 10 ઇંચ ઝૂકે તો પણ તેને આંચ ન આવે.
- શિવજીની પ્રતિમાને વિજળીથી રક્ષણ માટે લાઈટીંગ એરેસ્ટર મુકશે. જેને કારણે વિજળી સીધી જમીનમાં ઉતરી જશે.
- આ પ્રતિમા ઉપર પક્ષીઓ બેસી બગાડે નહી તે માટે અલ્ટ્રા સાઉન્ડ સીસ્ટમ મુકાશે. જે થોડી થોડી વારે વાગશે જેથી પક્ષીઓ ઉડી જશે.
- પ્રતિમા પાસે બે એલપીજી ગન મુકાશે. જે થોડા થોડા સમયમાં ધડાકા કરશે. જેથી પક્ષીઓ ઉડી જશે.
- પ્રતિમાની શોભા વધારવા ચેન્નાઈથી વિશેષ લાઈટ મંગાવાઈ છે. શિવજીના મુખથી લઈ ચરણો સુધી આ લાઈટીંગ થશે.
દાતાઓએ ઉદાર હાથ દાન આપ્યું
શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાની નેમ લીધા બાદ વડોદરાના દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. અમેરિકામાં સ્થાયી ડો.કિરણ પટેલ અને દેશ વિદેશના અનેક દાતાઓએ દાન કર્યું છે. ઉપરાંત ક્રેડાઇના અધ્યક્ષ શ્રીલેશ શુક્લ, પિયુષ શાહ, જાણીતા બિલ્ડર મયંક પટેલ સહિતના દાતાઓએ યોગદાન આપ્યું છે.