ગાંધીનગર : રાજ્યમાં વધતા સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે CID ક્રાઇમ દ્વારા હાથ ધરાયેલી સઘન કામગીરી દરમિયાન એક મોટા આંતરરાજ્ય સાયબર ઠગાઇ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 16 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે, જેમણે મળીને અંદાજે રૂ. 77 કરોડથી વધુની ઠગાઇ આચરી હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય સીઆઈડી ક્રાઈમના પોલીસ મહાનિરીક્ષક (ક્રાઇમ-4) બિપિન આહિરેના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના સુપરવિઝનમાં ડી.વાય.એસ.પી. કે.બી. દેસાઈની ટીમે વડોદરા, પાલનપુર અને ગોવામેં દરોડો પાડી 77 કરોડના સાયબર ક્રાઈમ ઠગાઈ કેસમાં 16 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 72 મોબાઇલ ફોન, 15 લેપટોપ, 126 સિમ કાર્ડ, 115 ડેબિટ કાર્ડ, 80 પાસબુક અને 15 ચેકબુક, બેંક ખાતાની વિગતવાળા ડેટા અને દસ્તાવેજો જપ્તા કર્યાં છે.
સીઆઈડી ક્રાઈમની ટીમે વડોદરાથી ધરપકડ કરેલા આરોપી હિરણ જોષી મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે, જે મ્યુલ એકાઉન્ટ નેટવર્ક ચલાવતો હતો. અન્ય આરોપીઓએ નકલી ફર્મો બનાવી અનેક બેંક ખાતાઓ ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સીઆઈડી ક્રાઈમના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ગેંગ પૂર્વ આયોજન સાથે નકલી ફર્મોના નામે બેંક ખાતાઓ ખોલાવતું અને અન્ય લોકોના નામે પણ ખાતાઓ ખોલાવતા હતા, ત્યારબાદ આ ખાતાઓની માહિતી અને સિમ કાર્ડ મેળવી સાયબર ફ્રોડ તથા ઓનલાઇન ગેમિંગ દ્વારા મળેલા નાણાંની હેરફેર કરવામાં આવતી. આરોપીઓ એકબીજાની મદદથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.
આ ઉપરાંત પાલનપુરમાંથી ધરપકડ કરાયેલા આરોપીઓ મીત રતીલાલ શ્રીમાળી અને મેહુલ બાબુભાઈ સોલંકીએ ખાતાઓ એકત્ર કરી મુખ્ય આરોપી સુધી પહોંચાડતા હતા. ટેક્નિકલ એનાલિસિસમાં ખુલ્યું કે આ સમગ્ર નેટવર્ક ગોવાથી ઓપરેટ થતું હતું. ગોવાથી વધુ 9 આરોપીઓને ઝડપવામાં આવ્યા, જે સાયબર ફ્રોડ અને ગેમિંગના નાણાં ટ્રાન્સફર કરતા હતા.
સીઆઈડી ક્રાઈમની વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું હતુ કે કે આ ગેંગ દ્વારા દેશભરમાં 375થી વધુ સાયબર ફ્રોડના ગુનાઓ આચરવામાં આવ્યા છે. 1930 સાયબર હેલ્પલાઇન પોર્ટલ પર પણ આ સંબંધિત ફરિયાદો નોંધાઈ છે. આ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટ ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI ફ્રોડ, લોન અને ડિપોઝિટ ફ્રોડ, પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ, ગેમિંગ ફ્રોડ, વિદેશી કનેક્શન પણ સામે આવ્યું છે.
આરોપીઓના મોબાઇલ ફોનમાંથી મળેલી માહિતી મુજબ, તેઓ દુબઈ સહિતના અન્ય દેશોના વ્યક્તિઓ સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે સંપર્કમાં હતા અને બેંક એકાઉન્ટની વિગતો શેર કરતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગેંગ સાથે જોડાયેલા અન્ય શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરાથી ધરપકડ કરાયેલા આરોપીઓ
હકરણ કરશનભાઇ જોષી (રહે. થરાદ)
સિદ્ધરાજ શિરવાડિયા (રહે. થરાદ)
મહેશ લાલજી જોષી (રહે. કાંકરેજ)
જીગર રાજુભાઇ સોલંકી (રહે. પાલનપુર)
પ્રકાશ રામજીભાઇ જોષી (રહે. ઓગડ)
પાલનપુરથી ધરપકડ કરાયેલા આરોપીઓ
મીત રતિલાલ શ્રીમાળી (રહે. પાલનપુર)
મહુલ બાબુભાઇ સોલંકી (રહે. પાલનપુર)
ગોવાથી ધરપકડ કરાયેલા આરોપીઓ
જીતુ ઠક્કર (રહે. પાટણ)
સાહિલ પ્રજાપતિ (રહે. પાટણ)
જયમીન જગદીશભાઇ પ્રજાપતિ (રહે. પાટણ)
વિજય સુરેશભાઇ નાઈ (રહે. મડાણા)
હિતેષ અજમલ ઠાકોર (રહે. જંગરાલ, પાટણ)
ધ્રુવ ચૌધરી (રહે. મામવાડા, સિદ્ધપુર)
અનિલ કેશરભાઇ ચૌધરી (રહે. મામવાડા, સિદ્ધપુર)
આશિષ કરશનભાઇ ચૌધરી (રહે. વરસડા, પાલનપુર)
નરેશ ખારશન (રહે. કાણોદર, પાલનપુર)