આઇએસએલ : નોર્થઇસ્ટ યુનાઇટેડે મુંબઇ સીટીને 1-0થી હરાવી વિજયી શરૂઆત કરી

ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં શનિવારે બીજી મેચમાં નોર્થઇસ્ટ યુનાઇટેડે ક્વેસી એપ્પીઆના એકમાત્ર ગોલની મદદથી મુંબઇ સીટીને 1-0થી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની વિજયી શરૂઆત કરી હતી. બંને ટીમ વચ્ચેની મેચનો પહેલો હાફ ગોલ રહિત રહ્યો હતો. જો કે પહેલો હાફ પુરો થવાની થોડી મિનીટો પહેલા મુંબઇ સીટીના સ્ટાર ખેલાડી અહમદ જાહોઉએ પાછળના ભાગેથી નોર્થઇસ્ટ યુનાઇટેડના ખાસા કામરાને પાડી દેતા તેને રેડ કાર્ડ બતાવાયો હતો અને તેના કારણે હવે બાકીની મેચ મુંબઇ સીટીએ 10 ખેલાડી વડે રમવાનો વારો આવ્યો હતો.

બીજો હાફ શરૂ થયાની બીજી જ મિનીટે નોર્થઇસ્ટ યુનાઇટેડને પેનલ્ટી મળતા તેના પર એપ્પીઆએ ગોલ કરી દીધો હતો. તે પછી મુંબઇ સીટી દ્વારા ગોલ કરવાના ઘણાં પ્રયાસો કરાયા હતા પણ તેઓ અંત સુધી ફાવ્યા નહોતા અને અંતે મેચ 1-0ના સ્કોર પર પુરી થતાં નોર્થઇસ્ટ યુનાઇટેડે વિજય મેળવ્યો હતો. આ પહેલા મેચ શરૂ થઇ ત્યારથી જ મુંબઇ સીટીએ આકમણ શરૂ કરી દીધું હતું અને પહેલા હાફનો મોટા ભાગનો સમય તેમણે બોલ પોતાની પાસે રાખ્યો હતો. જો કે તેમના જોરદાર આક્રમણ છતાં તેઓ ગોલ કરવાથી વંચિત રહ્યા હતા અને તેમને મળેલી કેટલીક તકોને તેમણે વેડફી હતી, તેમને મળેલા કોર્નરનો પણ તેઓ ઉપયોગ કરી શક્યા નહોતા અને અંતે પહેલો હાફ ગોલ રહિત પૂર્ણ થયો હતો. પહેલો હાફ ગોલ રહિત પુરો થવાથી મુંબઇના ખેલાડીઓ થોડા નિરાશ જણાયા હતા જ્યારે નોર્થઇસ્ટ યુનાઇટેડને એ વાતનો સંતોષ હતો કે તેમણે મુંબઇ સીટીના આક્રમણ છતાં એક પણ ગોલ થવા દીધો નહોતો.

Related Posts