ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચવાના આરે વિરાટ : ઘણાં રેકોર્ડ પર નજર

ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાની હેઠળ બે મહિનાથી વધુ લાંબા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવી પહોંચી છે અને ટીમ ઇન્ડિયા તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરે સિડનીમાં પહેલી વન ડે સાથે 3 વન ડે, 3 ટી-20 અને 4 ટેસ્ટની સીરિઝનો પ્રારંભ થશે. વિરાટ કોહલી આ પ્રવાસ દરમિયાન મર્યાદિત ઓવરોની તમામ મેચ રમશે પણ ટેસ્ટ સીરિઝની ચારમાંથી માત્ર એક ટેસ્ટ રમ્યા પછી તે પેટરનિટી લીવ પર ઉતરશે, જો કે આ દરમિયાન તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર નવો ઇતિહાસ રચવાના આરે છે અને ઘણાં રેકોર્ડ પર તેની નજર મંડાયેલી રહેશે.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ નવ સદી ફટકારી છે, જેમાંથી 6 ટેસ્ટમાં અને ત્રણ સદી વન ડેમાં ફટકારી છે. આ પ્રવાસમાં વિરાટ ત્રણ વન ડે, ત્રણ ટી-20 અને એક પીન્ક બોલ ટેસ્ટ રમવાનો છે. આ દરમિયાન જો કે માત્ર એક સદી પણ ફટકારશે તો તે ઓસ્ટ્રેલિયામાં તેમની જ સામે ત્રણે ફોર્મેટ મળીને સર્વાધિક સદી ફટકારનારો ખેલાડી બનશે. હાલમાં કોહલી માજી ઇંગ્લીશ ક્રિકેટર જેક હોબ્સ સાથે 9 સદીની બરોબરીએ છે. જો કે હોબ્સે તમામ સદી ટેસ્ટમાં ફટકારી છે. જો કોહલી ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારશે તો તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સર્વાધિક સદી ફટકારનારો ભારતીય ખેલાડી બનશે. હાલમા વિરાટ છ સદી સાથે સચિનની બરોબરી પર છે. તકનીકી રીતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિરાટે કુલ 11 સદી ફટકારી છે પણ તેમાંથી બે તેણે 2015ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં વન ડે સીરિઝ દરમિયાન સચિનને ઓવરટેક કરવાની પણ એક તક વિરાટ કોહલી પાસે હશે. વિરાટ વન ડેમાં સૌથી ઝડપી 12000 રન પુરા કરીને સચિનને ઓવરટેક કરી શકે છે. વિરાટે અત્યાર સુધી વન ડેની 239 ઇનિંગમાં 11867 રન બનાવ્યા છે અને ત્રણ વન ડેમાં તેને 12 હજારી બનવા માટે 133 રનની જરૂર છે. સચિને 12 હજારી બનવા માટે 300થી વધુ ઇનિંગ રમી હતી.

Related Posts