અધિકારીઓની બેદરકારી જનતાને ભારે પડી; ટેન્કરો ભરીને પાણી મંગાવવા લોકો મજબૂર, તંત્ર પાસે જવાબ નથી
વડોદરા : સ્માર્ટ સિટી વડોદરાના વોર્ડ નંબર 13 માં આવતા ગોયા ગેટ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. વિકાસના કામો વચ્ચે સ્થાનિક તંત્રની બેદરકારીને કારણે અહીંના 1200 થી વધુ પરિવારો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. વિસ્તારમાં નળ વાટે આવતું પાણી પીવાલાયક તો દૂર, વાપરવા લાયક પણ ન હોવાની ફરિયાદો ઉઠી છે.

રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા 90 દિવસથી નળમાં સતત કાળું અને અત્યંત દૂષિત પાણી આવી રહ્યું છે. ગંદા પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને લઈને પરિવારો ચિંતાતુર છે. શુદ્ધ પાણીના અભાવે લોકોને હવે પીવાના પાણી માટે મોંઘા ભાવના ખાનગી ટેન્કરો અથવા કોર્પોરેશનના ટેન્કરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.

સમસ્યાનું મુખ્ય કારણ નવી પાઈપલાઈન નાખવાની ધીમી કામગીરી હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા જૂની પાઈપલાઈન બંધ કરી દેવામાં આવી છે, પરંતુ તેની સામે નવી લાઈન નાખવાનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ખોદકામ અને અધૂરા કામને કારણે સ્થાનિકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે અને પાણીની કટોકટી વધુ ઘેરી બની છે.

આ મામલે વિપક્ષના સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે નગરપાલિકાના અધિકારીઓ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, “એક તરફ સરકાર ઘરે ઘરે શુદ્ધ પાણીના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ગોયા ગેટના 1200 પરિવારો ત્રણ મહિનાથી ટીપે ટીપા માટે તરસી રહ્યા છે.” તેમણે માંગ કરી છે કે નવી પાઈપલાઈનનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. જો આગામી દિવસોમાં શુદ્ધ પાણી પુરવઠો નિયમિત નહીં થાય, તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે આપી છે.
– સ્થાનિકોની મુખ્ય માંગણીઓ:
*નવી પાઈપલાઈનનું કામ તાત્કાલિક પૂર્ણ કરી કનેક્શન શરૂ કરવામાં આવે.
*જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી પૂરતા પ્રમાણમાં વિનામૂલ્યે ટેન્કરની સુવિધા આપવામાં આવે.
*દૂષિત પાણી આવવાના ટેકનિકલ કારણો શોધી તેને તાત્કાલિક દુર કરવામાં આવે.