પ્રતિનિધી ગોધરા તા.02
શહેરા પંથકમાં ગેરકાયદેસર લાકડાની પ્રવૃત્તિ અટકાવવા વન વિભાગ સતર્ક બન્યું છે ત્યારે શહેરાના બોરીયા ગામેથી ગેરકાયદેસર રીતે લીલા લાકડાનું વહન કરતી ટ્રકને વન વિભાગના સ્ટાફે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ મોર રાઉન્ડ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન બોરીયા ગામેથી પસાર થતી ટ્રક નંબર GJ 06 VV 8581 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. તપાસ કરતા ટ્રકમાંથી પાસ કે પરમીટ વગરના ગેરકાયદેસર લીલા તાજા પંચરાઉ લાકડા મળી આવ્યા હતા.
આ સમગ્ર કામગીરીમાં મોર રાઉન્ડના ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર બી.બી.ગોહિલ, વન રક્ષક એ.જી.પણદા તેમજ રોજમદાર કર્મચારીઓ અભેસિંગભાઈ ધામોત અને બાબુભાઈ પરમાર જોડાયા હતા. વન વિભાગની ટીમે લાકડા અને ટ્રક સહિત અંદાજે રૂપિયા 4,25,000નો મુદ્દામાલ સરકાર હસ્તક કબજે કર્યો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ અર્થે આસુદરિયાં ફોરેસ્ટ કમ્પાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યો છે.