Vadodara

વારસિયાના પીઆઇનાં નામે અઢી લાખની લાંચ માગનાર ઝડપાયો

વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે રૂ. ૫ લાખની માંગણી
ચોખંડી ખાતે દુકાનમાં લાંચ સ્વીકારતા રંગે હાથ ધરપકડ
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૨૫
એ.સી.બી. અમદાવાદ એકમ દ્વારા કરાયેલી સફળ ટ્રેપમાં સુરેશભાઈ રામચંદ તોલાણી (રહે. બી/૪૦, ગોકુલનગર સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ, વડોદરા) નામના પ્રજાજનને રૂ. ૨,૫૦,૦૦૦/-ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. ફરિયાદી એક જાગૃત નાગરિક છે.
ટ્રેપની કાર્યવાહી તા. ૨૫/૧૨/૨૦૨૫ના રોજ ચોખંડી, વડોદરા ખાતે આવેલી “અનુભવ એન્ટરપ્રાઇઝ” નામની દુકાનમાં કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ વારસિયા વિસ્તારમાં સર્વે નંબર ૩૨૯ની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ થતું હોવાથી વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી આધારે ફરિયાદ નોંધાવવા બદલ આક્ષેપિત દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરના નામે કુલ રૂ. ૫,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાં ફરિયાદ પહેલાં રૂ. ૨,૫૦,૦૦૦/- અને બાદમાં બાકી રૂ. ૨,૫૦,૦૦૦/- આપવાની શરત મૂકાઈ હતી.
લાંચની હેતુલક્ષી વાતચીત બાદ આક્ષેપિતે રૂ. ૨,૫૦,૦૦૦/- સ્વીકારતાં એ.સી.બી. ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા અને રકમ જપ્ત કરી હતી. ટ્રેપિંગ અધિકારી તરીકે વી.ડી. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર) તથા એ.સી.બી. ટીમે કાર્યવાહી કરી હતી. સુપરવિઝન ડી.એન. પટેલ અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

Most Popular

To Top