સયાજી હોટલ, જેતલપુર બ્રિજ, કલાલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાઈ જવાથી નાગરિકો મુશ્કેલીમાં

વડોદરા ચોમાસાનાં પ્રારંભે શહેરમાં ગઈકાલે સાંજથી પવન સાથે ધીમી ધારે વરસાદ થયો હતો. આજે પણ શહેર ઘેરા વાદળથી એકઢંકાયેલું છે અને હવામાન વાદળ અને વરસાદ જેવું રહ્યું છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા ઊભી થઈ છે. ખાસ કરીને સયાજી હોટલ અને જેતલપુર બ્રિજ પાસે પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે.

ત્યારે શહેરના કલાલી વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદ બાદ રસ્તાઓ પર પાણીની જમાવટ થઈ છે. વરસાદ બંધ પડ્યા બાદ પણ પાણી ઊતરવાની જગ્યાએ એ જ સ્થિતિ જાળવાઈ રહી છે. આ દ્રશ્યો બતાવે છે કે પાલિકા પ્રિમોન્સુનના નામે માત્ર નગરજનોને છેતર્યા છે. માટે જ વીએમસીને સીધો એક સવાલ “શું આપ આ વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવાનું ભૂલી તો નથી ગયા ને?”

વરસાદની સ્થિતિમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે, જે દર્શાવે છે કે પાલિકા દ્વારા વરસાદ પહેલાં થવા જરૂરી ગટર,નાળા, નિકાસ અને રસ્તા સાફ-સફાઈની કામગીરી બરાબર થઈ નથી. આ સ્થિતિ નાગરિકોને અસુવિધા અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓનો સામનો કરાવે છે.
અન્ય વિસ્તારોમાં પણ પાણીના નિકાસની વ્યવસ્થા ખામીયુક્ત જણાતી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શહેરી સ્માર્ટ તંત્રની પ્રિમોન્સુન કામગીરીના દાવા કરતા અધિકારીઓની સમસ્યા ઓછી કરવાની વાત પણ આ વખતે પોકળ જણાઈ છે. લોકોની માંગ છે કે વધુ સક્રિય અને કાર્યક્ષમ પાણીના નિકાસ વ્યવસ્થા યોજવામાં આવે.

પાલિકાએ સમયસર પ્રિ-મોન્સુન કામગીરી કરવાની જરૂર…
શહેરના જળભરાવ અને નિકાસની વ્યવસ્થા વધુ સક્રિય અને ઝડપી બનાવવી જરૂરી છે. પાલિકાને ચોમાસા પહેલાં સમયસર પ્રિ-મોન્સુન કામગીરી કરવાની જરૂર છે, જેથી અસુવિધાઓ ટાળી શકાય.