વડોદરા તા.16
અકોટા ગાર્ડન પાસે આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ પરિવાર સાથે ભાવનગર ખોડીયાર માતાના દર્શને ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનનો દરવાજો અને જાડીનો નકૂચો કાપી નાખ્યા બાદ ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 17.80 લાખની માલમત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. મંદિરેથી પરત આવેલા પરિવારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ગાર્ડન પાસે આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ વસંતવાલ શાહ( ઉં. વ. 66 ) હાલોલની પ્રાઇવેટ કંપનીની ચીકુવાડી ખાતે આવેલી ઓફિસમાં પરચેઝ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. 14 ડિસેમ્બરના રોજ રાત્રીના 11:00 વાગ્યાના અરસામાં વૃદ્ધ પત્ની વર્ષાબેન અને દીકરી જમાઈ સાથે રાજપરા ભાવનગર ખાતે આવેલા ખોડીયાર માતાના મંદિરે પૂનમ હોય દર્શન કરવા માટે તેમના મકાનને તાળું મારીને જમાઈની કારમાં ગયા હતા. દરમિયાન 15 ડિસેમ્બરે સવારે માતાજીના દર્શન કરીને વૃદ્ધ સહિત પરિવાર પરત ઘરે આવ્યો હતો. ત્યારે તેમના ઘરનો દરવાજો તથા જાળીનો નકુચો કોઈ સાધન વડે કાપી નાખેલો હતો. જેથી તેમના ઘરમાં કાંઈ અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી. સીનીયર સીટીજને ઘરમા જતા સામાન વેરવિખેર હાલતમાં કરી નાખેલો હતો. જેથી તસ્કરો મકાનમાં હાથ ફેરો કરી ગયા હોવાની આશંકાએ બેડરૂમમાં મૂકેલી તીજોરી ચેક કરતા ડ્રોવરમાં રાખેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રુપીયાની મળી રૂ.17.30 લાખની માલ મતાની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી વૃધ્ધે જેપી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ ધરવામાં આવી છે.