વડોદરા તારીખ 5
ગોરવા બીઆઇડીસી ખાતે આવેલી કંપનીમાંથી 7.29 લાખના વાલ્વની ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા અઢી માસથી નાસતા ફરતા રીઢા આરોપીને ચોરીના 4 વાલ્વ સાથે ક્રાઈમ બ્રાન્ચે ભીમનાથ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વાલ્વ ચોરીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી.
વડોદરા શહેરના વિવિધ ગુનામાં સજા કાપતા આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન મળેલ માહીતી આધારે ભીમનાથ બ્રીજ જતા રોડ પરથી મિલ્કત સંબધી ગુનાઓ આચરતો રીઢો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ વિરબહાદુર રાણા (રહે.વૃન્દાવન સોસાયટી રણોલી તા.જી.વડોદરા)ને એકસેસ મોપેડના આગળના ભાગે રાખેલ વાલ્વ નંગ-4 સાથેઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પાસે એક્સેસ મોપેડ અને વાલ્વ નંગ-4 ના પુરાવા રજુ કરવા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો. જેથી આ શખ્સ પર વધુ શંકા જતાં તેની ઘનિષ્ઠ પુછપરછ કરી હતી ત્યારે તેને પોતે તેના મિત્ર તરફથી મળેલી ટીપના આધારે એકસેસ મોપેડ પર ગોરવા બી.આઇ.ડી.સી.ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની કંપનીમાંથી ગત 17 માર્ચથી 20 માર્ચ દરમ્યાન રાત્રીના સમયે રૂ.7.29 લાખના 83 વાલ્વોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ ચોરી કરેલા વાલ્વ તેના મિત્રને આપી તેમજ ચાર વાલ્વ પોતાની પાસે રાખ્યા હોય વેચવા જતો હોવાની કબુલાત કરી હતી. એકસેસ મોપેડ અને વાલ્વ 4 કબજે કરી આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ આરોપીને ચોરીના વાલ્વ નંગ- 69 સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયા હતા. આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા અઢી માસથી નાસતો ફરતો હતો. દીવ્યાંગ ઉર્ફે નાનુ રાણા અગાઉ વડોદરાના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી, જુગાર સહીતના 8 ગુનાઓમાં પકડાયો છે અને એક વખત પાસા પણ થઈ ચૂકી છે.