સ્થાનિકોની ફરિયાદ છતાં કલાકો સુધી કાર્યવાહી નહીં, વાહનચાલકોને હાલાકી; હલકી ગુણવત્તાવાળું કામ ફરી એક વખત ચર્ચામાં
વડોદરા: શહેરના ગોત્રી ગાર્ડન રોડ વિસ્તારમાં આજે સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભારે લીકેજ થતાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યા અનુસાર, લીકેજના કારણે લાખો લીટર પાણી બેકાર વહી ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોત્રી ગાર્ડન રોડ પાસે પાણીની લાઈનમાં અચાનક ભંગાણ થતાં સ્થાનિકોએ તરત જ વડોદરા મહાનગરપાલિકા ને જાણ કરી હતી, છતાં કલાકો સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે, પાણીની લાઈનોમાં હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાથી અવારનવાર આવી લીકેજની સમસ્યા સર્જાય છે. પાણીના બેકાર વપરાશથી શહેરમાં પાણીની તંગી સર્જાઈ શકે છે, તેમ પણ રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
અંતે, VMCની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લીકેજને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી. જોકે, પાણીનો મોટો જથ્થો વેડફાઈ ચૂક્યો હતો.