છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ અને કેનાલથી છાણી જકાતનાકા સુધી ડાયવર્ઝનનો પ્રસ્તાવ
વડોદરા શહેરમાં ભૂખી કાંસના નદીના રી-રૂટ અને ડાયવર્ઝન માટે મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની પ્રક્રિયા આગળ વધતા, કુલ રૂ. 39 કરોડથી વધુના ખર્ચે આ કામ કરવાની યોજના છે. છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ સુધી નદીનું રીરૂટ અને કેનાલથી છાણી જકાતનાકા સુધી ડાયવર્ઝન કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીના સમક્ષ રજૂ કરવામાં આવી છે.
નદીના રીરૂટ માટે બે મુખ્ય કોન્ટ્રાક્ટરોને કામ સોંપવા માટે દરખાસ્ત રજૂ કરાઈ છે. છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ સુધીના રી-રૂટ માટે શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પ્રા.લી. ને રૂ. 21,66,78,360 ના અંદાજિત ખર્ચમાં 2.39% ઓછી કિંમત એટલે કે રૂ. 21,59,99,747 ના ટેન્ડર માટે પસંદ કરવામાં આવ્યું છે જ્યારે કેનાલથી છાણી જકાતનાકા સુધી નદીના ડાયવર્ઝન માટે રાજકમલ બિલ્ડર્સ ને રૂ. 18,63,18,431 ના કામ માટે મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરાઈ છે.
કોર્પોરેશનના મતે નદીના રીરૂટ પછી શહેરમાં જળવ્યવસ્થાનું આયોજન વધુ વ્યવસ્થિત થશે. ટ્રાફિક સમસ્યા દૂર થશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે. વર્ષો જૂની નદી પ્રદૂષણની સમસ્યાને ઉકેલવા આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ તેનું અમલ ક્યારે શરૂ થાય છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય છે.
પરક્રમસિંહ જાડેજાએ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા
અગાઉ ટેંડર પ્રક્રિયામાં વિવાદ સર્જાયો હતો. શરૂઆતમાં ભૂખી કાંસના એક ટેન્ડરમાં મેહુલ કન્સ્ટ્રક્શન દ્વારા ભાગ લેવાયો હતો, પણ નિયમોનું પાલન ન કરવા કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ તેને ડિસ્કોલીફાઈડ કરી દીધું. આ મામલે સત્તાપક્ષના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ બજેટ સભામાં સવાલ ઉઠાવ્યા અને અધિકારીઓ પર મેહુલ કન્સ્ટ્રક્શનને ડિસ્કોલીફાઈડ કરવા મુદ્દે ગેરવર્તનના ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે અધિકારીઓ સામે પંદર દિવસમાં કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી. જો કે, પંદર દિવસ વીતી ગયા છતાં પરાક્રમસિંહ કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી અને નવા ટેન્ડરની જાહેરાત પણ થઈ ગઈ છે. સમગ્ર મામલે પરક્રમસિંહે કહ્યું, સભામાં મે જે રજૂઆત કરી હતી તે અલગ ટેન્ડર હતું હાલ જે ભૂખી કાંસનું ટેન્ડર આવ્યું છે તે અલગ ટેન્ડર છે.
