Vadodara

વડોદરામાં પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગથી મિલકત સંબંધિત ગુનાઓમાં 6.17 ટકાનો ઘટાડો

વર્ષ 2024ની સરખામણીમાં વર્ષ 2025માં ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો

પ્રતિનિધિ | વડોદરા | તા. 2
વડોદરા શહેર પોલીસના સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગના કારણે મિલકત સંબંધિત ગુનાઓમાં 6.17 ટકાનો ઘટાડો નોંધાયો છે. ધાડ, લૂંટ, ઘરફોડ અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓ વર્ષ 2024માં કુલ 907 નોંધાયા હતા, જે ઘટીને વર્ષ 2025માં 851 થયા છે.

73 ટકા ગુનાઓનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ જપ્ત

વર્ષ 2025 દરમિયાન શહેરમાં ઘરફોડ, ચેન સ્નેચિંગ, ધાડ અને લૂંટ સહિતના કુલ નોંધાયેલા ગુનાઓમાંથી આશરે 73 ટકા જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના સઘન પ્રયાસોથી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ધાડના ગુનામાં શૂન્ય નોંધ, લૂંટ અને ઘરફોડમાં ઘટાડો

વર્ષ 2025માં ધાડનો એક પણ બનાવ નોંધાયો નથી, જે શહેર પોલીસ માટે મોટી સફળતા ગણાય છે.
લૂંટના ગુનાઓ વર્ષ 2024માં 11 નોંધાયા હતા, જે વર્ષ 2025માં ઘટીને 7 રહ્યા છે.
ઘરફોડ ચોરીના ગુનાઓ વર્ષ 2024માં 207 હતા, જે ઘટીને વર્ષ 2025માં 142 થયા છે.

ચેન સ્નેચિંગમાં વધારો ચિંતાજનક

જ્યારે મોટાભાગના મિલકત સંબંધિત ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે ચેન સ્નેચિંગના ગુનાઓમાં વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2024માં ચેન સ્નેચિંગના 678 ગુનાઓ નોંધાયા હતા
વર્ષ 2025માં આ આંકડો વધીને 702 થયો છે
પોલીસ દ્વારા આ ગુનાઓ અટકાવવા ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે.
8 હજારથી વધુ CCTV કેમેરાથી શહેર પર નજર
વડોદરા શહેરમાં ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 650 CCTV
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ 1950 CCTV
જાહેર સ્થળોએ 550થી વધુ CCTV

આમ, કુલ 8 હજારથી વધુ CCTV કેમેરાઓ પર પોલીસ ભવન ખાતે આવેલા આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સતત નજર રાખવામાં આવે છે.

મેન્ટર પ્રોજેક્ટ અને નાઇટ પેટ્રોલિંગથી ગુનેગારો પર કડક નજર

મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 550થી વધુ કુખ્યાત ગુનેગારો પર પોલીસ અધિકારીઓને નિમણૂક કરીને સતત નજર રાખવામાં આવે છે. ઉપરાંત, શહેરના વિવિધ ચેકપોસ્ટ અને વ્યૂહાત્મક સ્થળોએ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ માટે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે.
ગેંગો સામે કડક કાર્યવાહી, 305 આરોપી પાસા હેઠળ
વડોદરા શહેરમાં ઘરફોડ અને ચેન સ્નેચિંગ સહિતના ગુનાઓમાં
સિકલીગર ગેંગ, સુનિલ પાન ગેંગ, કાસમઆલા ગેંગ, ત્રીચી ગેંગ, વડનગર સિકલીગર ગેંગ, ATM તોડતી ગેંગ, લક્ઝરી કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ, વાહન ચોરી ગેંગ અને મેડ ગેંગ સહિતની ગેંગો સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે.

આ ગેંગો દ્વારા કુલ 125 જેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યો,

જેમાંથી 305 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરીને જેલ મોકલવામાં આવ્યા છે,જ્યારે 11 આરોપીઓને તડીપાર કરવામાં આવ્યા છે,પોલીસના પ્રયાસોથી શહેર વધુ સુરક્ષિત વડોદરા શહેર પોલીસના સઘન પ્રયાસો, આધુનિક ટેક્નોલોજી અને કડક કાર્યવાહીથી મિલકત સંબંધિત ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરને વધુ સુરક્ષિત બનાવવા પોલીસ દ્વારા પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top