- રમજાન માસમાં પાણી માટે લોકોના વલખા
- એક કલાક પાણી આવે તેમાં અડધો કલાક દુષિત અને દુર્ગંધ વાળું પાણી
વડોદરા શહેર એ પાણીના મુશ્કેલીનો પર્યાય થઇ ગયો છે. મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને પાણી વિતરણ માટેના અપૂરતા આયોજનના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી છે. વડોદરા શહેરને અવ્વલ નંબર ઉપર લઇ જવા માટેની મોટી મોટી વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા હાલમાં સામે આવી રહી છે. વિકાસની ગુલબાંગો ફેંકતા એકેય નેતા પાણીના પ્રશ્ને બોલવા રાજી નથી. ત્યારે શહેરના અકોટા વિસ્તારમાં દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવવાના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી છે.
વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો પ્રશ્ન વિકટ બની ગયો છે. છેલ્લા પંદર દિવસથી શહેરમાં પાણીની મોકાણ જોવા મળી રહે છે. શહેરમાં પાણી અંગેની સામસ્યા એક જ હોય છે માત્ર સરનામા બદલાતા રહે છે. અકોટા વિસ્તારમાં લોકો દુષિત અને દુર્ગંધ વાળું પાણી આવવાના કારણે પ્રજા પરેશાન થઇ ઉઠી છે. હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે તેવામાં આ વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું. માંડ એકાદ કલાક પાણી આવે છે અને તેમાં અડધો કલાક કાળા કલરનું પાણી મળે છે અને તે પણ અત્યંત દુર્ગંધ મારતું પાણી આવે છે. છેલ્લા કેટલાય સમયથી આ પ્રશ્ને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારની પાણીની લાઈનો ગટરની લાઈનો સાથે મળી ગઈ હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારની સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી માગ છે.
અકોટામાં પાણીની લાઇનમાં ભંગાણ
શહેરમાં લોકો પાણી ન મળવાની બૂમો મચાવી રહ્યા છે તો બીજી બાજુ પાણીની લાઈનમાં એક બાદ એક ભંગાણ જોવા મળી રહ્યા છે. શહેરના અકોટા વિસ્તારમાં દિનેશ મિલની પાસે આવેલ બ્રિજની નીચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે લાખો ગેલન પાણી ગટરમાં વહી જતું નજરે પડ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી આ ભંગાણ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ પાણી સીધું ગટરમાં જ જતું રહેતા હજારો લીટર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે. ત્યારે આ લાઇનનું ત્વરિત સમારકામ કરવામાં આવે તે જરૂરી છે.
સયાજીબાગ ભૂગર્ભ સંપ ઉપર ઢાંકણું જ નથી , લીલા કપડાથી ઢાંકવામાં આવ્યું છે
શહેરમાં દુષિત પાણી આવવાની બૂમો છે. ત્યારે સયાજીબાગ ભૂગર્ભ સંપ ખાતે એક ટાંકા ઉપર ઢાંકણું જ લગાવવામાં આવ્યું નથી. અહીં બે સંપ આવેલા છે જે પૈકી એક 9 લાખ 10 હજાર લીટરની કેપેસીટી ધરાવે છે તો બીજો સંપ 11 લાખ 29 હાજર લીટરની ક્ષમતા ધરાવે છે. આ પૈકી 9 લાખ લીટર વાળા સંપ ઉપર વર્ષોથી આર.સી.સી. ઢાંકણું જ નથી. તેને લીલા પડદાથી ઢાંકવામાં આવ્યો છે. 11હજાર લીટર વાળા સંપ ઉપર ઢાંકણું બનાવવામાં આવ્યું છે. જયારે આ સંપમાં કચરું ન પડે તેથી લીલા કપડાથી ઢાંકવામાં આવે છે. આ અંગે સંપના ઇન્ચાર્જને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આમ જ છે. ઉપરી અધિકારીઓને કહ્યું તો તેઓએ જણાવ્યું હતું કે નવો સંપ બનાવવાનો છે એટલે આના ઉપર ઢાંકણાનું કઈ કામ નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પાંચ વર્ષથી જો આ જ સ્થિતિ હોય તો હજુ આગામી કેટલા વર્ષો લાગશે? અને પ્રજાને ક્યાં સુધી કચરાવાળું પાણી પીવાનો વારો આવશે?