ગોરવા BIDCની સિનર્જી ક્વેરમાં આવેલી લેબોરેટરીમાં કાર્યવાહી જારી: સંચાલક ડૉ. નાભા શંકાના ઘેરામાં
વડોદરા :;ઔદ્યોગિક નગરી વડોદરામાં ડ્રગ્સ ટેસ્ટિંગના નામે ગંભીર કૌભાંડ ચાલી રહ્યું હોવાની આશંકા વચ્ચે શહેરના આરોગ્ય વિભાગે ગોરવા બીઆઈડીસી સ્થિત સિનર્જી ક્વેરમાં આવેલી એક્યુટેસ્ટ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયા પ્રા.લિ. પર દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહી હાલમાં પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે મેડિકલ અને ફાર્માસ્યુટિકલ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ લેબોરેટરીમાં દવાઓના પરીક્ષણ માટે સ્વસ્થ વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા. જોકે, દરોડા દરમિયાન એવી ગંભીર ચર્ચાએ જોર પકડ્યું છે કે આ પરીક્ષણ દરમિયાન ગરીબ અને આદિવાસી તેમજ રોડ પર રહેતા લોકોને લાવવામાં આવે છે અને તેઓને ભોજન અથવા અન્ય માધ્યમથી પ્રતિબંધિત ડ્રગ્સ આપવામાં આવ્યા હતા.

જો આ ચર્ચા સાચી ઠરે તો તે માનવ સ્વાસ્થ્ય સાથેના ગંભીર ચેડાં સમાન છે અને કાયદાનું મોટું ઉલ્લંઘન ગણાશે. આ લેબોરેટરીના સંચાલક તરીકે ડૉ. નાભાનું નામ સામે આવ્યું છે, જેમની ભૂમિકા અંગે ઊંડી તપાસ થવી જરૂરી છે.
આટલા ગંભીર આરોપો હોવા છતાં સ્થાનિક પ્રશાસન, ખાસ કરીને પાલિકા, આવા સંચાલકો અને માફિયાઓ સામે કડક પગલાં લેવામાં નબળું પુરવાર થશે તેવી આશંકા શહેરના જાગૃત નાગરિકોમાં સેવાઈ રહી છે.

જો આ મામલે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તો લેબોરેટરીના સંચાલકોની સાથે-સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક મેડિકલ માફિયાના નામો ખુલી શકે છે, જે રાજ્યના દવા પરીક્ષણ અને ક્લિનિકલ ટ્રાયલ ક્ષેત્રમાં ચાલી રહેલા ગેરરીતિઓના પર્દાફાશ માટે ચાવીરૂપ બની શકે છે.
આરોગ્ય વિભાગે માત્ર દરોડા પૂરતું સીમિત ન રહેતા, ડૉ. નાભા અને સંસ્થા વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરીને માનવજીવન સાથે ચેડાં કરનારાઓને કાયદાનું પાઠ ભણાવે તે જરૂરી છે.