લારી-ગલ્લાના ભાડા વસૂલાતમાં લાલીયાવાડી અને ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ મ્યુનિસિપલ કમિશનરની લાલ આંખ; કુલ 38 કર્મચારીઓની આંતરિક અદલાબદલીથી પાલિકામાં સન્નાટો
વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં લાંબા સમયથી ચાલી આવતી શિથિલતા અને કામચોરી સામે મ્યુનિસિપલ કમિશનરે આકરું વલણ અપનાવ્યું છે. શહેરના તમામ 19 વોર્ડમાં ભાડા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરી અંગે વ્યાપક ફરિયાદો ઉઠતા, કમિશનર અરુણ મહેશ બાબુએ શનિવારે સાંજે એક ઝાટકે તમામ 19 ભાડા ક્લાર્કની બદલીના આદેશ જારી કર્યા છે. આ સામૂહિક બદલીના પગલે પાલિકાના રાજકારણ અને વહીવટી આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે.
પાલિકાના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના મુખ્ય માર્ગો પર ઊભા રહેતા લારી-ગલ્લાઓ, પાથરણાવાળાઓ અને અન્ય હંગામી દબાણો પાસેથી ભાડું, વહીવટી ચાર્જ અને સફાઈ વેરો વસૂલવાની જવાબદારી આ રેવન્યુ ક્લાર્કો ભાડા ક્લાર્ક ની હોય છે. જોકે, છેલ્લા ઘણા સમયથી કમિશનરને એવી બાતમી મળી રહી હતી કે ઘણા વોર્ડમાં ભાડાની વસૂલાત નિયમિત થતી નથી. ખાસ કરીને વસૂલાત અને દેખરેખની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓની મિલીભગત હોવાની આશંકા પણ સેવવામાં આવી હતી, જેના કારણે પાલિકાની આવક પર સીધી અસર પડી રહી હતી.
સમગ્ર મામલાની ગંભીરતાને જોતા કમિશનરે કોઈ પણ પ્રકારની કારણદર્શક નોટિસ આપ્યા વિના સીધા જ બદલીના ગાળા છૂટા કર્યા છે. જે 19 ક્લાર્કોની બદલી કરવામાં આવી છે, તેમને વોર્ડ કચેરીઓમાંથી ખસેડીને પાલિકાની મુખ્ય કચેરી ખાતે અલગ-અલગ વિભાગોમાં બિન-મહત્વની જગ્યાઓ પર મૂકી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વહીવટી તંત્રના અન્ય વિભાગોમાં ફરજ બજાવતા 19 બિન-વિવાદાસ્પદ ક્લાર્કોની પસંદગી કરી તેમને 19 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આમ, કુલ 38 કર્મચારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરના આ કડક નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને આવકના સાધનોને વેગ આપવાનો છે. પાલિકાના વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ બદલી માત્ર શરૂઆત છે; જો આગામી દિવસોમાં પણ નવા ક્લાર્કોની કામગીરીમાં સુધારો નહીં જણાય અથવા જૂના કર્મચારીઓ સામેના આક્ષેપો પુરવાર થશે, તો વધુ કડક શિક્ષાત્મક પગલાં પણ લેવાઈ શકે છે. આ નિર્ણય દ્વારા કમિશનરે તમામ કર્મચારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજાના ટેક્સની રકમ અને પાલિકાની આવક સંબંધિત કામગીરીમાં સહેજ પણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
હાલ તો, રજાના દિવસે લેવાયેલા આ મોટા વહીવટી નિર્ણયને કારણે પાલિકાના અન્ય વિભાગોના કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
–વહીવટી તંત્રમાં ક્લીનઅપ ઓપરેશન: શા માટે લેવાયો આકરો નિર્ણય?…
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી વોર્ડ સ્તરે લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ પાસેથી વસૂલવામાં આવતા ભાડા અને સફાઈ ચાર્જમાં મોટાપાયે ગેરરીતિ અને ઢીલાશની બૂમો ઉઠી હતી. આધારભૂત સૂત્રો મુજબ, અનેક વોર્ડમાં ભાડા ક્લાર્કો દ્વારા ચોપડે વસૂલાત ઓછી બતાવી માનીતાઓને છાવરવામાં આવતા હોવાના અહેવાલો કમિશનર સુધી પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આ બાબતને અતિ ગંભીર ગણી, શનિવારે રજાના માહોલ વચ્ચે જ એકાએક ઓર્ડર કાઢી તમામ 19 ક્લાર્કોને મેઈન ઓફિસ ખાતે બદલી દીધા છે. આ નિર્ણય દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી આવકને નુકસાન પહોંચાડનાર કે કામગીરીમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે આગામી દિવસોમાં હજુ પણ આકરી તપાસ અને શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે.