Entertainment

મૃણાલને ‘સ’ સદી ગયો

કોઇ એક ફિલ્મથી કાયમ માટે કોઇ સફળ થતું નથી. સફળતા ગમે તેટલી મોટી હોય પણ વટાવાયેલા ચેકથી ફરી ફરી પૈસા ઉપાડી શકાતા નથી. મૃણાલ ઠાકુર અત્યારે ફરી પોતાના માટેની જગ્યા શોધી રહી છે. ટી.વી. સિરીયલોથી લોકપ્રિય બનીને ફિલ્મોમાં આવેલી મૃણાલને ઋતિક રોશન સાથેની ‘સુપર 30’ જોહ્‌ન અેબ્રાહમ સાથેની ‘બાટલા હાઉસ’, ‘ફરહાન અખ્તર સાથેની ‘તુફાન’ અને રાજકુમાર રાવ, મનોજ વાજપેયી સાથેની ‘લવ સોનિયા’ જેવી ફિલ્મો મળી જે બતાવે છે કે ફિલ્મજગતે તેનો સ્વીકાર કર્યો છે અને તેનામાં સ્ટાર્સ સાથે છવાઇ જવાની ટેલેન્ટ છે. તેની તેલુગુ ફિલ્મ ‘સીતા રામન’ પણ ખૂબ સફળ રહી છે અને એ ફિલ્મમાં દલકીર સલમાન સાથે ખૂબ જામી છે. કેટલાક તો કહે છે કે મૃણાલ પાસે મધુબાલા જેવું સૌંદર્ય અને સ્મિત છે. જોકે લોકોને ભૂતકાળના સફળ ચહેરા ફરી શોધતા રહેવાની આદત હોય છે પણ મૃણાલના ઇમ્પેકટ કોઇ નકારી ન શકે.

મૃણાલ બહુ બડબોલી નથી. ફિલ્મો રજૂ ન થતી હોય ત્યારે તેને શોધવી મુશ્કેલ પડે છે. તે ફિલ્મો સિવાયના કારણોથી ચર્ચામાં રહેવાનું શીખી નથી. તે સોશ્યલ મિડીયા પર પણ નથી રહેતી. તેને આજે પણ હાથથી કાગળો લખવા ગમે છે. અને ઇચ્છે ય છે કે તેને હાથથી લખેલો લવલેટર મળે. મૃણાલમાં સૌંદર્યમાં એક પ્રકારની સાદગી છે અને બીજી એક જરા જુદી વાત કે તેણે હમણાં સીતાની ભૂમિકા ભજવી પણ તેની સાથે ‘સ’ થી શરૂ થતા નામ વાળા પાત્રો વધારે સુટેબલ રહ્યા છે. જેમ કે ‘સુપર 30’ માં તેનું નામ સુપ્રિયા હતું તો ‘ધમાકા’ માં સૌમ્યા અને ‘લવ સોનિયા’માં સોનિયા. જોકે પોતાના પાત્રના નામ કાંઇ તે પોતે નકકી નથી કરતી પણ સંજોગથી ‘સ’નામ મળતા રહ્યા છે. પણ હા, તે એટલું જરૂર કહે છે કે જયારે સારી રીતે લખાયેલા પાત્ર ભજવો તો અભિનેત્રી તરીકે જ નહીં વ્યકિત તરીકે પણ વધુ સારા બનાય છે. આજે હું જેવી કાંઇ છું તે મેં ભજવેલા પાત્રોને કારણે છું. એ પાત્રોએ મને ઘણું બધું શીખવ્યું છે.

મૃણાલે હંમેશા પાત્ર વૈવિધ્યની કાળજી રાખી છે અને તે કોઇપણ ફિલ્મ સ્વીકારતી વેળા એમ ઇચ્છતી હોય છે કે લોકોની નજરમાં એ પાત્ર વસે એટલું તો થવું જ જોઇએ. આજે તે પોતે પણ પોતાની ફિલ્મો જુએ તો વિચારે છે કે આમાં હું કેવી રહી? મારું કામ સારું તો હતું ને! કયાં નબળી રહી, કયાં સુધરવાનું બાકી રહી ગયું. ઋતિક, જોહ્‌ન કે શાહીદ કપૂર યા દલકીર સલમાન સાથે ફિલ્મ મળવી સુખદ છે પણ તેમાં પૂરવાર થઇએ તે વધુ સુખદ છે. હવે તે આદિત્ય રોય કપૂર સાથે ‘ગુમરાહ’ માં આવી રહી છે જે સાઉથની ‘થડમ’ નામની સુપરહિટ ફિલ્મની રિમેક છે. વર્ધન કેતકર નામના દિગ્દર્શકની એ પહેલી જ ફિલ્મ હતી પણ ખૂબ ફ્રેશ બની હતી. મૃણાલ ‘ગુમરાહ’માં પોલીસ બની છે. તે કહે છે કે પહેલી જ વાર મેં પોલીસનો યુનિફોર્મ પહેર્યો છે અને તેથી ખાસ્સો ઉત્સાહ અનુભવું છું.

મૃણાલ એક સાથે બહુ બધી ફિલ્મોમાં કામ કરવામાં માનથી નથી અને ફિલ્મો ત્યારે જ સ્વીકારે છે જયારે તેણે જે પાત્ર ભજવવાનું હોય તે એકસાઇટ કરે તેવું હોય. તેની ‘પીપા’, ‘પૂજા મેરી જાન’ અને ઉમેશ શુકલ દિગ્દર્શિત ‘આંખ મિચૌલી’ આવી રહી છે. મૃણાલને લાગે છે કે તેની કારકિર્દીનો આ અત્યંત મહત્વનો તબકકો છે. આ ફિલ્મો તેને ફિલ્મોદ્યોગ અને પ્રેક્ષકોમાં નવું સ્થાન અપાવશે. બાકી, તે અન્ય અભિનેત્રીઓ સાથેની સ્પર્ધાની લાગણીથી દૂર રહે છે. દરેકને પોતપોતાની રીતે કામ મળે છે અને સકસેસ મળે છે. સ્પર્ધાને બદલે પોતાને મળેલા કામ પર ધ્યાન આપવું જ વધુ અગત્યનું છે. મૃણાલ અત્યારે એ જ કરી રહી છે. •

Most Popular

To Top