ભોપાલના ડૉક્ટર પુત્રનો ગંભીર આક્ષેપ: ₹1 કરોડની FD અને દાગીના હડપવા રચાયું ષડયંત્ર; રાષ્ટ્રપતિ ભવન અને માનવાધિકાર પંચના આદેશ છતાં વડોદરા પોલીસ તપાસમાં ઠાગાઠૈયા કરતી હોવાનો રોષ


વડોદરા શહેરના પોલીસ ભવનની બહાર આજે એક હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં મધ્યપ્રદેશના ભોપાલથી આવેલા ડૉ. અમિતાભ શુક્લ પોતાની માતાના મૃત્યુના કેસમાં ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે. તેમનો આક્ષેપ છે કે વડોદરા પોલીસ દ્વારા છેલ્લા અઢી વર્ષથી આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
મૂળ ભોપાલના રહેવાસી ડૉ. અમિતાભ શુક્લના જણાવ્યા અનુસાર, માર્ચ 2023માં વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગોકુળ ટાઉનશીપ ખાતે તેમની માતાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે સમયે તેમના ભાઈ આસિમ શુક્લ માતા સાથે રહેતા હતા. ડૉ. શુક્લનો ગંભીર આક્ષેપ છે કે આ કુદરતી મૃત્યુ નથી, પરંતુ મિલકત હડપવાના ઈરાદે તેમના ભાઈ દ્વારા કરવામાં આવેલી હત્યા છે.
તેમના દાવા મુજબ, પૈતૃક સંપત્તિ, વડોદરાની બેંકોમાં રહેલી ₹1 કરોડની એફડી (FD), ₹50 લાખના દાગીના અને માતાના પેન્શન એકાઉન્ટ પર કબજો કરવા માટે આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
ડૉ. શુક્લ ગઈકાલે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારને પણ મળ્યા હતા, પરંતુ તેમને કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. તેમનું કહેવું છે કે પોલીસ આને દીવાની કેસ ગણાવી રહી છે, જ્યારે હકીકતમાં આ એક ફોજદારી ગુનો છે. જ્યાં સુધી તેમની ફરિયાદ નોંધીને યોગ્ય તપાસ શરૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
હાલમાં, એક શિક્ષિત વ્યક્તિ દ્વારા પોલીસ ભવનની બહાર ન્યાય માટે ધરણા કરવામાં આવતા સમગ્ર વડોદરા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
– ધરણા પર બેઠેલા ડૉ. શુક્લે પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે:
*કાર્યવાહીમાં વિલંબ: છેલ્લા અઢી વર્ષમાં પોલીસે અનેકવાર એફઆઈઆર (FIR) દાખલ કરવાનું આશ્વાસન આપ્યું પણ હજુ સુધી ગુનો નોંધાયો નથી.
*રાજકીય અને આર્થિક પ્રભાવ: આરોપી પ્રભાવશાળી હોવાને કારણે પોલીસ તપાસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 6-7 વાર ખોટી તપાસના અહેવાલો રજૂ કર્યા છે.
*ઉચ્ચ આદેશોની અવગણના: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ ઓગસ્ટ 2025માં એસપી વડોદરાને ફરી તપાસ કરવા આદેશ આપ્યો હતો, તેમજ રાષ્ટ્રપતિ ભવનથી પણ ગુજરાત સરકારને સૂચના મળી છે, છતાં સ્થાનિક પોલીસ આ આદેશોની અવગણના કરી રહી હોવાનો આક્ષેપ છે.