Chhotaudepur

મહાન ક્રાંતિકારી યોધ્ધા શહિદ બિરસા મુંડાને ભારતરત્નથી સન્માનિત કરવાની માંગ બુલંદ બની રહી છે

*જન્મ જયંતિ વિશેષ.*
છોટાઉદેપુર:
આવતીકાલે ૧૫ મી નવેમ્બર. મહાન ક્રાંતિકારી શહિદ બિરસા મુંડા જન્મ જયંતિ, ૧૫ નવેમ્બર ૧૯૮૦માં જે તે વખતના બિહારનાં રાંચી ખાતે ઉજવવામાં આવી હતી, ત્યાર પછી દર વર્ષે ક્રાન્તિસૂર્ય બિરસા મુંડા જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે, યુવાનો માં બિરસા મુંડા ના ક્રાન્તિકારી વિચારોએ ધીરે ધીરે સ્થાન લઈ રહ્યા છે તેમજ સામાજિક જાગૃતિ અને સામાજિક ચેતનાના કારણે કેટલાક વર્ષોથી ગામ તાલુકે જિલ્લે અને હાલ તો રાજ્ય કક્ષાના તથા ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન શll નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય કક્ષાએ પણ મહાન ક્રાંતિસૂર્ય બિરસા મુંડા જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ૧૫ મી નવેમ્બર નાં કાર્યક્રમો હોવાથી લોકો મુખ્ય કાર્યકમો માં હાજરી આપી શકે તે માટે નાના નાના ગામો ટાઉનમાં બિરસા મુંડા જન્મ જયંતિ સપ્તાહ ની પણ ઉજવણી કરવામાં આવી રહી છે જે એક સામાજિક જાગૃતિ અને સામાજિક ચેતના નું પરીણામ કહીં શકાય.


છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંગભાઈ રાઠવા બિરસા મુંડા વિશે વધુ જણાવતાં લખે છે કે શહીદ બીરસા મુંડા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના મહાન ક્રાંતિકારી હતા.
તેમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીક ખૂંટી જિલ્લાના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો અને શાહુકારો દ્વારા કરવામાં આવેલી ‌સમાજની બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.
ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે વર્ષની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાની નાની વય દરમ્યાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. ધરતી ના રક્ષક એવા બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી આબા” નામથી સંબોધન કરતા હતા, આબા એટલે મુંડારી ભાષામાં રક્ષક તેવો થાય છે, અને એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

બિરસા મુંડા નું તેજ અને નેટવર્ક આખા વિસ્તારમાં એ પ્રકારે ફેલાયેલું હતું કે તે વખતના સમયમાં કોઈ સંદેશાવ્યવહારના કોઈ આધુનિક ઉપકરણો નહોતાં છતાં અંગ્રેજ હકૂમત હેઠળ ચાલતી લડાઈ માટે એક હાક વાગતી ત્યારે પાંચ દિવસ નાં ટુંકા સમયમાં બોલાવવામાં આવેલી સભામાં લાખોની સંખ્યા માં જનમેદની ઉમટી પડતી. એટલા માટે જ તેમને ક્રાંતિકારીસૂર્ય બિરસા મુંડા કહેવામાં આવતા,
૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી પોલીસ થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ૩ ફેબ્રુઆરી , ૧૯૦૦ના દિવસે ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.
બિરસા મુંડાએ ૯ જૂન ૧૯૦૦ ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં જ અંતિમ શ્વાસ લીધા‌ હતા, અને મરણ નું પ્રાથમિક તારણ કોલેરા થી થયું નું જણાવ્યું હતું. પરંતુ બ્રિટિશરો ની જોહુકમી હેઠળ તેમને ઝેર આપી ને મારી નાખવામાં આવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, આજે પણ ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના લોકો તેમના નામનાં ભજનો, છંદ દુહાઓ અને લોકગીતો, વાર્તાઓ થકી તેમને યાદ કરે છે અને ભગવાનની જેમ પૂજે છે અને આવનારી પેઢીઓ સુધી તેમના *ઉલગુલાન જારી રહેગા* નામ નાં નારા થકી સામાજિક જાગૃતિ અને સામાજિક ચેતના નો દોર આગળ ધપાવી રહ્યા છે.

આ ઉપરાંત ભારતદેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે બિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી ૧૫ નવેમ્બર ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. આમ શહીદ બિરસા મુંડા માત્ર આદિવાસી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે શહીદી વ્હોરી હતી.

માત્ર ૨૫ વર્ષ ની ઉંમરે પોતાની જીંદગી ન્યોચ્છાવર કરનાર મહાન ક્રાંતિકારી યોધ્ધાને બ્રિટિશરો દ્વારા સ્થાપિત ભારતીય અદાલતમાં એક આરોપી તરીકે ચીતરવામાં આવ્યા છે, જે રેકોર્ડ માં સુધારો કરી ન સરકાર દ્વારા શહિદ બિરસા મુંડા જી નેભારતીય સ્વાતંત્ર્ય સેનાની *ઇન્ડિયન ફ્રિડમ ફાઈટર* અને સાચા અર્થમાં શહિદ બિરસા મુંડા નું બિરૂદ આપવામાં આવે અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે

આલેખન: સંજય સોની , છોટાઉદેપુર

Most Popular

To Top