Vadodara

બેઘર થયેલા લોકોનો એફોર્ડેબલ હાઉસિંગની કચેરીમાં ઉગ્ર વિરોધ

મકાનો ફાળવવામાં નહીં આવે તો આંદોલનના માર્ગે ઉતરવાની ચીમકી ઉચ્ચારી :

ગોરવા દશામાં મંદિર ચાર રસ્તા પાસે ચાર મહિના પૂર્વે દબાણ હેઠળ પટ્ટી ના દબાણો દૂર કરાયા

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા દશામાં મંદિર ચાર રસ્તા પાસે ઝુંપરપટ્ટીના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ આજ દિન સુધી ગરીબ લોકોને મકાનો ફાળવી આપવામાં નહીં આવતા બે ઘર બનેલા ગરીબ લોકોએ એફોર્ડેબલ હાઉસિંગની કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી મકાનો ફાળવવા માંગણી કરી હતી.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ચાર મહિના પહેલા દશામા મંદિર ચાર રસ્તા પાસે મકાનો તોડવામાં આવ્યા હતા. જેમાં આશરે 2 હજાર જેટલા પરિવારોએ છત ગુમાવી હતી. ત્યારે, ચાર મહિના બાદ પણ આ ગરીબ પરિવારને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નહીં આવતા વિસ્તારના લોકોએ આજે રાવપુરા એફોર્ડેબલ હાઉસિંગની કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, અમને આશ્વાસન આપ્યું હતું કે તમને સારી જગ્યા પર મકાનો ફાળવી આપીશું. પરંતુ, આજ દિન સુધી મકાનો આપ્યા નથી. લોકોએ પૈસા પણ ભર્યા છે અને હાલમાં લોલીપોપ પકડાવી દેવામાં આવી છે કે, કલાલી ગુલાબી વુડા આવાસમાં મકાનો ફાળવવામાં આવશે. ગઈકાલે રહીશોએ અમે બધા ભેગા મળીને ગુલાબી વુડા આવાસમાં ગયા હતા. ત્યાં જોયું તો નર્કાગાર પરિસ્થિતિ છે અને એના કરતા તો અમારી ઝુંપરપટ્ટી સારી હતી. આજે રાવપુરા શાળા નંબર એક એફોર્ડેબલ હાઉસિંગ સેલમાં રજૂઆત કરી છે. જો અમને મકાનો ફાળવી આપવામાં નહીં આવે તો ના છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવો પડશે.

Most Popular

To Top