Editorial

બેંક ખાતાઓમાંથી ઉઠાંતરી: એક વૈશ્વિક સમસ્યા

જ્યારથી ઓનલાઇન બેંકિંગ, એટીએમ જેવી સવલતો આવી છે ત્યારથી બેંક ગ્રાહકો સાથે છેતરપિંડી, તેમના ખાતાઓમાંથી નાણાની ઉઠાંતરી જેવા બનાવો પણ વધી ગયા છે. સવલત વધી છે, સરળતા વધી છે તે સાથે જોખમ પણ વધ્યું છે. ઓનલાઇન બેંકિંગ, ટેલિફોન બેકિંગની સવલત આવી, એટીએમ આવ્યા, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ આવ્યા અને ગ્રાહકોની સુવિધા ઘણી વધી ગઇ. બેન્કોમાં લાંબી લચક લાઇનો હવે લગભગ ભૂતકાળની વાત બની ગઇ છે. ગ્રાહક ગમે ત્યારે, અડઘી રાત્રે પણ પોતાના ખાતામાંથી એટીએમની મદદથી નાણા ઉપાડી શકે તેવી સવલત થઇ ગઇ છે.

ઓનલાઇન પેમેન્ટ થોડી મીનિટોમાં થઇ શકે છે, ઘરે બેઠા બિલ ભરી શકાય છે, હવે તો નાણા જમા કરાવવા માટેના પણ મશીન આવી ગયા છે અને એટીએમ બૂથોમાં આ મશીન પણ ગોઠવાવા માંડ્યા છે. પરંતુ સવલતો અને સરળતા વધવાની સાથે જોખમ પણ વધ્યું છે. પહેલા તો ચેકની તફડંચી કરીને, બનાવટી સહી કરીને કોઇ ગ્રાહકના ખાતામાંથી નાણા ઉપાડી લેવામાં આવે તેવી તરકીબો અજમાવીને નાણાની ઉઠાંતરી કરવામાં આવતી હતી. હવે તો ગ્રાહકોના ખાતાઓમાંથી નાણાની ઉઠાંતરી માટે અનેક માર્ગો ખુલી ગયા છે.

કોઇ ગ્રાહકના મોબાઇલ પર ફોન આવે, બેંકમાંથી બોલું છું એમ કહેવામાં આવે અને ખાતાના કેવાયસી અપડેટ જેવું કોઇક બહાનુ કાઢીને ખાતાની કેટલીક વિગતો મેળવવામાં આવે અને થોડી વારમાં તો ખાતું સફાચટ થઇ ગયું હોય. બનાવટી, ફિશિંગ મેસેજો મોકલીને પણ છેતરપિંડી કરવામાં આવે છે. આવા તો અનેક કૌભાંડો અને છેતરપિંડીઓ ભારતમાં અને વિશ્વભરમાં થતી રહે છે. હાલમાં એક જંગી આંતરરાષ્ટ્રીય બેંક ઉઠાંતરી કૌભાંડ બહાર આવ્યું છે જેમાં મોટે ભાગે પશ્ચિમી દેશોમાં લાખો ગ્રાહકોને ભોગ બનાવવામાં આવ્યા છે.

યુકેમાં એક જંગી બેંક ભંડોળ તફડંચી કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડના કૌભાંડકારીઓએ યુકે ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા કેટલાક યુરોપિયન દેશોના લોકોને ભોગ બનાવ્યા છે જેમાં સૌથી વધુ લોકો અમેરિકામાં ભોગ બન્યા છે એમ જાણવા મળે છે. આ કૌભાંડ સંદર્ભમાં યુકેમાંથી માસ્ટરમાઇન્ડ સહિત ડઝનબંધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ આઈસ્પૂફ.સીસી નામની એક વેબસાઇટ વડે કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ કૌભાંડીઓને એવું સોફ્ટવેર પુરું પાડે છે કે જેનાથી કૌભાંડીઓ કેટલીક જાણીતી બેંકોમાંથી પોતે ફોન કે મેસેજ કરતા હોય તેવી છાપ લોકો પર ઉભી કરી શકે. બાર્કલેઝ, નેટવેસ્ટ અને હેલિફેક્સ જેવી જાણીતી બેંકોના નામે આ કૌભાંડીઓ કોલ કરતા હતા અને લોકોના બેંક ખાતાઓની માહિતી મેળવીને તેમના ખાતાઓમાંથી રકમની ઉઠાંતરી કરતા હતા.

એમ કહેવાય છે કે કુલ પ૯૦૦૦ જેટલા અપરાધીઓ આ કૌભાંડ સાથે સંકળાયેલા હતા અને આ વેબસાઇટની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે તેઓ વેબસાઇટને મોટી રકમ ફી તરીકે ચુકવતા હતા. એમ જાણવા મળે છે કે બ્રિટનમાં લગભગ બે લાખ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા છે. જો કે સૌથી વધુ ભોગ અમેરિકાના લોકો બન્યા છે. કુલ જેટલા લોકો ભોગ બન્યા છે તેમાંથી ૪૦ ટકા લોકો અમેરિકામાં ભોગ બન્યા છે જેના પછી ૩૫ ટકા લોકો યુકે અથવા બ્રિટનમાં ભોગ બન્યા છે. ઓસ્ટ્રેલિયામાં અને કેટલાક યુરોપિયન દેશોમાં પણ લોકો આ કૌભાંડીઓના ભોગ બન્યા છે.

આ કૌભાંડ બહાર આવ્યા પછી બ્રિટિશ પોલીસનું મુખ્યાલય સ્કોટલેન્ડ યાર્ડ સક્રિય થયું હતું. પૂર્વ લંડનમાંથી આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ મનાતા તિજાઇ ફ્લેચર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, આ ઉપરાંત બીજા પણ ડઝનબંધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય દેશોની પોલીસ તથા તપાસ એજન્સીઓ પણ આ કૌભાંડની તપાસમાં જોડાઇ છે જેમાં અમેરિકાની એફબીઆઇનો પણ સમાવેશ થાય છે. આઇસ્પૂફ નામની જે વેબસાઇટનો ઉપયોગ આ છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો તે કૌભાંડકારીઓને છેતરપિંડી માટેનું સોફ્ટવેર પુરું પાડવા માટે તેમની પાસેથી નાણા વસૂલ કરતી હતી અને એમ કહેવાય છે કે પાંચ હજાર જેટલા લોકોએ આ સોફ્ટવેર મેળવવા તેને નાણા ચુકવ્યા હતા!

આના પરથી એ પણ આઘાત જનક હકીકત સમજાય છે કે કેટલા બધા લોકોa બીજાઓના બેંક ખાતાઓમાંથી નાણાની ઉઠાંતરી કરવા તત્પર હતા. આપણા દેશના ઝારખંડ રાજ્યમાં જામતાડા નામનું એક નાનુ નગર છે ત્યાંના મોટા ભાગના લોકો તો આવી છેતરપિંડી કરવાને જ પોતાનો વ્યવસાય બનાવી બેઠા છે એમ કહેવાય છે. આ બધુ ખૂબ આઘાત જનક છે પરંતુ કઠોર વાસ્તવિકતા છે. આમ તો પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા બેન્કો તરફથી અનેક સૂચનાઓ અને સલાહો તેમના માટે સમયે સમયે જારી કરવામાં આવતી હોય છે પરંતુ ઘણા ગ્રાહકો તેમને ગંભીરતાથી લેતા નથી.

વળી, ઓનલાઇન વ્યવહારો કરવાની કે એટીએમ કે ડેબિટ કાર્ડ વાપરવાની પુરતી આવડત ન હોય તેવા ગ્રાહકો પણ છેતરપિંડીનો ભોગ સહેલાઇથી બની જાય છે. બેંક ખાતાઓમાંથી ઉઠાંતરીની બાબતમાં એક ગંભીર સમસ્યા બેંક કર્મચારીઓની જ આવી પ્રવૃતિમાં સંડોવણીની છે. એક સતર્કતા સંસ્થાના ૨૦૨૦ના અહેવાલ પ્રમાણે તે વર્ષમાં ૧૨૫ દેશોમાં બેન્ક કર્મચારીઓ દ્વારા આવી છેતરપિંડીના અઢી હજાર જેટલા બનાવો બન્યા હતા. બેંક ખાતાઓમાંથી ઉઠાંતરી એ આજે એક વૈશ્વિક સમસ્યા બની ચુકી છે અને સાવધાની અને સતર્કતા જ તેનો એક ઉપાય છે.

Most Popular

To Top