
ખિસકોલી સર્કલ પાસે આવેલા વુડસ વિલા બંગલામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બાળકીનો ભોગ લેવાયો
ગંભીર રીતે ઘવાયેલા અન્ય બાળકને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
વડોદરા તારીખ 2
માંજલપુર વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે આવેલા વુડસ વિલા બંગલામાં પહેલા માળે 10 માસની બાળકી અને અન્ય નાનો બાળક રમી રહ્યા હતા તે દરમિયાન ત્યાં મૂકેલી હલકી ગુણવત્તાવાળી ટાઇલ્સો પડતા દબાઈ ગયેલી 10 માસની બાળકીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકને ગંભી ઇજાઓ સાથે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાળકીના મોતના પગલે માતા સહિતના પરિવારજનોએ આક્રંદ મચાવી મૂક્યો હતો. પહેલા તો એફ એસ એલ તપાસ બાદ જ બાળકીનો મૃતદેહ ઉચકવા માટેની ચીમકી આપી હતી પણ પોલીસની દરમિયાન પરિવારજનો માની ગયા હતા અને બાળકીના મૃતદેહને પીએમ માટે લઈ જવા મંજૂરી આપી હતી.
શહેરના માંજલપુર વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે સંજયભાઈ પટેલનો વુડ વિલા નામનો બંગલો આવેલો છે. જે બંગલાનો રીનોવેશન કોન્ટ્રાક્ટ અશોકભાઈ કોન્ટ્રાક્ટરને આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં મજૂરો મૂકીને કામગીરી કરાવવામાં આવી રહી છે. જેથી મજૂરો ત્યાં જ પોતાના પત્ની અને બાળકો સાથે રહીને કામગીરી કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો ટાઇલ્સ સહિત અન્ય વસ્તુઓ મકાનના પહેલા માળે મૂકયો છે. દરમિયાન 2 જૂનના રોજ પંકજભાઈ પોતાનું કામ બંગલામાં કરી રહ્યા હતા જ્યારે તેમની 10 માસની માસુમ બાળકી અન્ય નાના બાળક સાથે ઉપરના માળે રમી રહી હતી. ત્યારે એકાએક જ પહેલા માળે મૂકેલી ટાઇલ્સો ત્યાં રમી રહેલા બાળકો પર પડતા બંને બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમિયાન 10 મહિનાની દ્રવ્ય નામની બાળકીનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બાળકને ઇજાઓ પહોંચતા ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બાળકીના મોતના કારણે માતા પિતા સહિતના પરિવારે અન્ય લોકોનું કાળજું કંપાવી નાખે તેવું આક્રંદ કરી મૂક્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની ટાઈલસોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી નાની બાળકીનો ભોગ લેવાયો ની ચર્ચા. તેથી આ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ બાળકીના પરિવાર સહિતના લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ પણ દોડી આવી હતી. પરંતુ રોસે ભરાયેલા બાળકીના માતા-પિતા સહિતના લોકોએ એફએસએલ આવ્યા બાદ જ બાકીના મૃતદેહને પીએમ માટે ખસેડવા દેશે તેવી ચીમકી આપી હતી. જોકે પોલીસ દ્વારા પરિવારજનો ને સમજાવતા તેઓ માની ગયા હતા અને બાળકીના મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.