છ મહિનાથી ગોકળગતિએ ચાલી રહેલી કામગીરીથી લોકોને હાલાકી
એમએસયુના વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો


વડોદરા : ફતેગંજમાં છેલ્લા છ મહિનાથી પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરી હજી પણ પૂર્ણ થઈ નથી. રોડ પર ખાડા પડી ગયા છે. લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓએ આ ખાડામાં શાસકોના પોસ્ટર લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

સ્માર્ટ સિટી વડોદરામાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે.ત્યારે પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ પણ ઉઘાડી પડી રહી છે.બીજી તરફ પાલિકા દ્વારા ઉપાડેલા વિકાસના કામો આજે મંથર ગતિએ ચાલી રહ્યા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આવી જ એક કામગીરી શહેરના ફતેગંજ વિસ્તારમાં ચાલી રહી છે. આજે છ છ મહિના થવા આવ્યા પણ કામગીરી પૂર્ણ થઈ નથી. રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે ખાડા નજરે પડતા નથી. ત્યારે, લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. અતિ પોષ કહેવાતા ફતેગંજ વિસ્તારમાં આ પરિસ્થિતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે, વિદ્યાર્થી સંગઠનના આગેવાન સુઝાન લાડમેન અને વિદ્યાર્થીઓએ ગુરુવારે મોડી રાત્રે ખાડામાં શાસકોના પોસ્ટર લગાવી અનોખો વિરોધ કરી તંત્રને ભર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો.