Vadodara

પેટલાદના નુર તલાવડીમાં દસ દિવસથી પાણી ન આવતાં પાલિકામાં હોબાળો

પેટલાદ નગરપાલિકાની અણઆવડતથી ઉનાળાના પ્રારંભે જ પ્રજાને પાણીના વલખાં

પાણીની અછત સર્જાતાં મહિલાઓએ પાલિકા પહોંચી ઉગ્ર રજુઆત કરી

(પ્રતિનિધિ) પેટલાદ તા.17

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં.1માં નુર તલાવડી અને બોડીકુવા વિસ્તાર આવેલો છે. જ્યાં પાઈપલાઈન તુટી જતાં છેલ્લા દશેક દિવસથી પાલિકા દ્વારા મળતા પાણી પુરવઠાથી આ વિસ્તારના લોકો વંચિત છે. ઉનાળાની શરૂઆત પૂર્વે જ પાણીનો પોકાર પડતા અહીંયાના સ્થાનિક મહિલાઓ આજે નગરપાલિકા પહોંચ્યા હતા. જ્યાં મહિલાઓએ હલ્લાબોલ મચાવી પાણી નિયમીત કરવા ઉગ્ર રજુઆત કરી હતી. આ વિસ્તારના લોકોને છેલ્લા એકાદ અઠવાડીયાથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ તે પુરતું નહીં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નં.1માં નુર તલાવડી અને બોડીકુવા આવેલ છે. આ વિસ્તારના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. આ બંન્ને વિસ્તારોને નગરપાલિકા દ્વારા રોજીંદો પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો. આ વિસ્તારમાં પાણી સરળતાથી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે નવી ટાંકી બની રહી છે. જેથી પાઈપલાઈનના નવીનીકરણનું કામ ચાલુ છે. આ કામ દરમ્યાન જુની પાઈપલાઈન તુટી જતાં આ વિસ્તારના લોકોને પાણી પુરવઠો પહોંચતો નથી. ઉનાળા પૂર્વે લગભગ દશેક દિવસથી પાલિકા દ્વારા પાણી પુરવઠો મળતો નહીં હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. નુર તલાવડી અને બોડી કુવાની મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડીયાથી નગરપાલિકા પાણીની ટેન્કરો મોકલી આપે છે. પરંતુ ટેન્કરથી ઘર સુધી પાણી ભરીને લઈ જવામાં પણ ભારે તકલીફ પડે છે. ઉપરાંત ટેન્કરોમાં આવતું પાણી માટી વાળું અને ગંદુ હોય છે. ઉપરાંત ટેન્કર મારફતે પુરતું પાણી નહીં મળતા ઢોરોને પણ પાણી કેવી રીતે પીવડાવવું ? જે પાઈપલાઈન તુટી ગઈ છે એ કેટલાય દિવસોથી નગરપાલિકા રીપેર નથી કરતા. આ અંગે વોટર વર્કસના નિતીન પટેલે જણાવ્યું હતું કે તા.૧૨મીથી ટેન્કરો મોકલવામાં આવે છે. પરંતુ હવે આજકાલમાં જ રીપેરીંગ પૂર્ણ થઈ જતાં રાબેતા મુજબ બંન્ને વિસ્તારોને પાણી પહોંચશે.

Most Popular

To Top