Vadodara

પૂરની સહાયનાં મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં મહિલાઓનો મોરચો પહોંચ્યો કલેકટર કચેરી.


તાજેતરમાં જ વડોદરામાં આવેલ માનવ સર્જિત પૂરને કારણે સંપૂર્ણ શહેર જળમગ્ન થયું હતું. કેશ ડોલ અને સહાયના નામે પૂર અસરગ્રસ્તો સાથે સત્તાધીશો અને તંત્ર મજાક કરતું હોય તેવું જણાઈ આવે છે. સોમા તળાવ, ઘાઘરેટીયા, ગણેશ નગર જેવા વિસ્તારોમાં હજી સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય પહોંચી ન હોવાથી વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ આજરોજ કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વડોદરા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. કોંગ્રેસ આગેવાનો દ્વારા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ત્યાં જ બીજી તરફ કલેકટર કચેરીએ પહોંચેલ મહિલાઓ દ્વારા સરકાર વિરુદ્ધ નારેબાજી અને સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ બાદ પોલીસનો કાફલો પણ કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો. કોંગ્રેસની આગેવાનીમાં મહિલાઓ દ્વારા સરકારી સહાય માટે વડોદરા જિલ્લા કલેકટર બીજલ શાહને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

.


સ્થાનિક રહીશ દ્વારા મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે અમે જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાંના લોકો રોજ કમાઈને ખાય છે. પુણ્ય લીધે પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. અમે અમને થયેલ નુકસાનના પૈસા નથી માંગી રહ્યા પરંતુ સરકારમાંથી મળતી સહાય કે જે અમારો હક છે તે અમને મળવો જોઈએ તે માટે આજરોજ અમે સૌ એકત્રિત થઈને કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે.


વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના લીધે વડોદરા શહેર ડૂબ્યું હતું. કલેકટર કચેરી દ્વારા કેસ ડોલ અને સહાય માટે જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ભેદભાવ કરવામાં આવ્યો છે. આ જેટલી બહેનો કલેકટર કચેરી ખાતે પહોંચી છે તેમને સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય મળી નથી. તેમણે વડોદરા જિલ્લા કલેકટર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કલેક્ટર એ પોતે પ્રજાના સેવક છે નહીં કે ભારતીય જનતા પાર્ટીના. જે પ્રકારે અમુક વિસ્તારોના નાગરિકો સાથે સહાય ના નામે ભેદભાવ કરવામાં આવ્યો છે તેવું જોઈને જણાઈ આવે છે કે કલેક્ટરને હવે ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ખેસ જ પહેરવાનો બાકી છે.


વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મહિલાઓ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા નથી આવ્યા પરંતુ તેમની જે વેદના છે તે કલેકટરને જણાવવા આવ્યા છે. આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી આ લોકોની સરકાર છે અને સરકારે દરેક વ્યક્તિને સરખો ન્યાય આપવો જરૂરી છે. જો સરકાર આ પૂરગ્રસ્ત લોકોને કેશડોલ અને ઘરવખરી ની સહાય નહીં આપે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે.

Most Popular

To Top