Sports

નેશનલ ગેમ્સમાં ભાગ લેનારા ટ્રેક અને ફિલ્ડ ખેલાડીઓમાં મુરલી શ્રીશંકર અને અવિનાશ સાબલે પણ સામેલ

નવી દિલ્હી : સ્ટીપલચેસ એથ્લેટ અવિનાશ સાબલે અને લોન્ગ જમ્પર મુરલી શ્રીશંકર સહિત કેટલાક ટ્રેક અને ફિલ્ડ સ્ટાર્સ આગામી નેશનલ ગેમ્સમાં (National Games) ભાગ લેશે. ગુજરાતમાં (Gujarat) 29 સપ્ટેમ્બરથી શરૂ થનારી નેશનલ ગેમ્સમાં 36 રમતોમાંથી સૌથી વધુ 600થી વધુ ખેલાડીઓ (Players) ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં હશે.

જો કે, ઓલિમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા અને કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ ટ્રિપલ જમ્પર એલ્ડોસ પોલે આ ગેમ્સમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ કેટલાક ટોચના એથ્લેટ એવા છે જેઓ સાત વર્ષના લાંબા ગાળા પછી યોજાયેલી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ભાલા ફેંક ખેલાડી અનુ રાની ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે.

  • ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી શરૂ થનારી નેશનલ ગેમ્સમાં સ્પ્રીન્ટર હિમા દાસ, દુતી ચંદ, મહિલા ભાલા ફેંક ખેલાડી અનુ રાની પણ ભાગ લેશે
  • ઓલિમ્પિક્સ ચેમ્પિયન ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપરા અને કોમનવેલ્થ ગેમ્સ ટ્રિપલ જમ્પર ગોલ્ડ મેડલિસ્ટ એલ્ડોસ પોલ તેમાં ભાગ નહીં લે

સ્ટાર મહિલા દોડવીર હિમા દાસ અને દુતી ચંદ અનુક્રમે આસામ અને ઓડિશા માટે દોડશે. દુતીએ 2015માં કેરળમાં આયોજિત નેશનલ ગેમ્સની છેલ્લી એડિશનમાં 100 મીટરમાં ગોલ્ડ મેડલ અને 200 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હિમા નેશનલ ગેમ્સમાં તેના પ્રથમ મેડલ માટે સખત પ્રયાસ કરશે. આસામની અમલાન બોરગોહેન અને મહિલા 100 મીટર હર્ડલ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક જ્યોતિ યારાજી પણ આ ગેમ્સમાં ભાગ લેશે.

રાષ્ટ્રીય રમતગમતના પ્રદર્શનના આધારે, રમતવીર હંગેરીમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આપમેળે ક્વોલિફાય થઈ શકે છે. શ્રીશંકરે પીટીઆઈને કહ્યું, હતું કે હા, હું નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છું. તેના પિતા એસ મુરલીએ કહ્યું કે શ્રીશંકર આ સમયગાળા દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશિપના 8.25 મીટર ક્વોલિફિકેશન સ્ટાન્ડર્ડને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્વોલિફિકેશનનો સમય 31 જુલાઈ 2022 થી 30 જુલાઈ 2023 સુધીનો છે. કેરળના 23 વર્ષીય શ્રીશંકરે ગયા મહિને બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં 8.08 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ રેકોર્ડ 8.36 મીટરનો છે, જે એપ્રિલમાં બન્યો હતો.

Most Popular

To Top