Vadodara

નિઝામપુરા મેદાનમાં મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા

મેદાનમાં ખેલાડીઓ વચ્ચે ઉગ્ર મારામારીનો વીડિયો વાયરલ

ભાજપના કાઉન્સિલર આયોજિત ટૂર્નામેન્ટમાં હાર-જીતના ઝઘડામાં મહિલા ખેલાડીઓએ વાળ ખેંચી એકબીજાને નીચે પાડ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ મહેસાણા નગર ગરબા મેદાન નિઝામપુરા નગર મેદાન ખાતે આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં અચાનક હોબાળો મચી ગયો હતો. વોર્ડ-3ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર રૂપલ મહેતા દ્વારા આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રમત દરમિયાન જ બે હરીફ ટીમોની ખેલાડીઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મહિલા ક્રિકેટની એક મેચ દરમિયાન જીતી રહેલી ટીમની ખેલાડીઓનો ઉત્સાહ અને હાર તરફ ધકેલાયેલી ટીમની ખેલાડીઓનો ગુસ્સો એટલો વધી ગયો કે મેદાનમાં જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. જોતજોતામાં આ ‘કહાંસુની’એ હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ​નોંધનીય છે કે મહિલા ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. આ મારામારીમાં ખેલાડીઓએ એકબીજાના વાળ ખેંચીને નીચે પાડી દીધા હોવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. મહિલા ખેલાડીઓનું આ હિંસક વર્તન જોઈને મેદાન પર હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેના કારણે વડોદરાના રાજકીય અને રમતગમત જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વીડિયોમાં મહિલા ખેલાડીઓ મેદાનમાં એકબીજા સાથે મારામારી કરતી સ્પષ્ટપણે જોઈ શકાય છે. ​સ્થિતિ વધુ ન વણસે તે માટે તાત્કાલિક પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો અને ખેલાડીઓને અલગ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. મહિલા કાઉન્સિલર દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં જ આ પ્રકારનો હિંસક માહોલ સર્જાતા આયોજન પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

Most Popular

To Top